રાજકોટઃ રાજકોટના લોકો માટે કોરોનાને લઈને ચિંતાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં કોરોના માટે હોટસ્પોટ ગણાતા જંગલેશ્વર બાદ હવે શહેરના અન્ય વિસ્તારમાં કોરોનાનો પગપેસારો જોવા મળી રહ્યો છે.


મળતી માહિતી મુજબ રાજકોટના જંગલેશ્વર બાદ હવે શહેરના સાધુવાસવાણી રોડ પર રહેતી 16 વર્ષીય સગીરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં સરધાર ગામના 40 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સગીરાની કોઈ કોન્ટેક્ટ હિસ્ટ્રી નથી છતાં કોરોના પોઝિટિવ આવ્યો તે ચિંતાજનક સમાચાર છે. યુવતીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ યુવતીના સંપર્કમાં આવેલ પરિવાર સહિતના 11 લોકોને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

રાજકોટ શહેરમા કોરોનાના 76 જ્યારે ગ્રામ્યમાં 8 પોઝિટિવ કેસ મળી કુલ પોઝિટિવ આંક 84 પર પહોંચ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાક માં 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 11746 કોરોના કેસમાંથી 38 દર્દી વેન્ટિલેટર પર છે અને 6210 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 4804 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 148824 ટેસ્ટ થયા જેમાંથી 11746 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.