રાજકોટ: રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મોત નિપજ્યા છે. હચમચાવતી આ દુર્ઘટનામાં સાંગણવા ગામના વિરેન્દ્રસિંહના એક જ પરિવારના 7 સભ્યો ભોગ બન્યા છે. જેમાંથી 5 સભ્યો હાલ લાપતા છે. જ્યારે 2 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આગ લાગી ત્યારે વિરેન્દ્રસિંહ સલામત સ્થળે હતા પરંતુ પરિવારને બચાવવા જતાં તેઓ આગકાંડનો ભોગ બન્યા હતા.
રાજકોટના TRP ગેમઝોનમાં ગઈકાલે લાગેલી આગમાં બાળકો સહિત 28 લોકોના મોત થયા છે. રાજકોટમાં ભયાનક બેદરકારીના કારણે અનેક પરિવારો હોમાયા છે. આ ભયંકર દુર્ઘટનામાં સાંગણવાના વિરેન્દ્રસિંહનો પરિવાર પણ વિખેરાયો છે. સાંગણવા ગામના વિરેન્દ્રસિંહ તેમના પત્ની, પુત્ર અને સાઢુ ભાઈના બાળકો સાથે ગેમઝોનમાં ગયા હતા, જ્યાં એમના આ પરિવારનો માળો વિખેરાય ગયો છે.
સાંગણવા ગામના વિરેન્દ્રસિંહનો છેલ્લો વીડિયો સામે આવ્યો છે. અચાનક ગેમઝોનમાં આગ લાગી ત્યારે વિરેન્દ્રસિંહ તો સલામત સ્થળે હતા પરંતુ બાળકો આગમાં ફસાયેલા હોવાથી તેઓ એમને બચાવવા માટે ઉપર ગયા હતા. પરિવારને બચાવવા જતાં વિરેન્દ્રસિંહ પણ આગકાંડનો ભોગ બન્યા હતા. આ પરિવારના બે સભ્યો હાલમાં હોસ્પિટલમાં દાખલ છે અને 5 સભ્યો હાલ લાપતા છે. આ દુર્ઘટના સમયે ગેમઝોનમાં ક્ષમતા કરતા વધારે લોકો હાજર હતા. આગ લાગી ત્યારે ગેમઝોનમાં અંદાજે 300 લોકો હાજર હતા. આ અગ્નિકાંડમાં જીવતા ભૂંજાયેલા મૃતકોના DNA ટેસ્ટ કરવા પડશે. મૃતકોની ઓળખ માટે પરિવારજનોના લોહીના સેમ્પલ લેવાની ફરજ પડી છે.
રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપશે. આ સંદર્ભે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભીષણ આગને કારણે સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું અને લોકો તેની અંદર દટાઈ ગયા. જેના કારણે આગ વધુ ભયાનક બની હતી. માળખામાં દટાયેલા લોકો બહાર ન આવી શક્યા અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા.
ગેમ ઝોનમાં જનરેટર માટે 1500 થી 2000 લિટર ડીઝલ, ગો કાર રેસિંગ માટે 1000 થી 1500 લિટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેના કારણે આગ એટલી બધી ફેલાઈ ગઈ હતી કે આખું માળખું બળીને રાખ થઈ ગયું હતું.