રાજકોટ: સસ્તામાં સોનુ આપવાની લાલચ આપી વેપારી સાથે લૂંટની ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની ઝડપી લીધા છે.  રાજસ્થાનના એગ્રોના વેપારીને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી ભુજ બોલાવી ચાર શખ્સોએ છરી બતાવી 7 લાખની લૂંટ ચલાવી હતી. રાજકોટના જંકશન પ્લોટમાં ગેબનશાપીરની દરગાહે સલામ માટે આવ્યાની બાતમીના આધારે એસઓજીના સ્ટાફે ચારેયને ઝડપી કાર અને રોકડ મળી 14.61 લાખનો મુદામાલ કબજે કર્યો છે. 


સસ્તું સોનુ ખરીદવાની લાલચ રાજસ્થાનના એગ્રોના વેપારીને ભારે પડી છે. વેપારી બજાર કિંમત કરતા 25 ટકા ઓછી કિંમતે સોનુ ખરીદવા ભુજ સુધી આવી પહોંચ્યા અને તેઓ લૂંટારૂઓનો શિકાર બની ગયા હતા. 


લૂંટારૂઓએ વેપારીને સસ્તુ સોનુ આપવાની લાલચ આપી ભુજ બોલાવી અલગ- અલગ જગ્યાએ લઈ જઈ બાદમાં છરીની અણીએ રૂપિયા સાત લાખની લૂંટ ચલાવી હતી. જેની ફરિયાદ નોંધાતા ગઈકાલે રાજકોટ શહેર SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે ચાર લૂંટારૂઓને 2.35 લાખની રોકડ તેમજ ક્રેટા ગાડી સહિત કુલ 14.61 લાખના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
 
વેપારીને ભૂજ બોલાવી છરીની અણીએ લૂંટ


રાજકોટના જંકશન પ્લોટમાં ગેબનશાપીરની દરગાહ પાસે ગતરાતે જી.જે.18 ઇએ 4711 નંબરની ક્રેટા કારમાં ચાર શખ્સોની શંકાસ્પદ હીલચાલના આધારે એસઓજી પી.આઇ. જે.ડી.ઝાલા, એએસઆઇ ડી.બી.ખેર, હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિહ જાડેજા, ફિરોજભાઇ રાઠોડ, દિગ્વીજસિંહ ગોહિલ, અને હાર્દિકસિંહ પરમાર સહિતના સ્ટાફે ચારેય શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરતા તે તુલશી મીલ પાસે રહેતા રમજાન કાસમશા શેખ, અમનશા જમાલશા શેખ, અલીશા કરીમશા શેખ અને ઇસભશા આલીશા શેખ હોવાનું અને તેઓએ ગત તારીખ 9 જાન્યુઆરીએ રાજસ્થાનના વેપારીને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી ભૂજ બોલાવી છરીની અણીએ લૂંટ ચલાવ્યાની રાજકોટ ગેબનશા પીરની દરગાહે સલામ માટે આવ્યાની કબુલાત આપી હતી.


ભૂજ બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરતા ત્યાં ગત તા.9 જાન્યુઆરીએ રાજસ્થાના એગ્રોના વેપારી કૌશલકિશોર ત્રિલોકચંદ ગાલવના ફેશબુક પર પરિચય કેળવી પોતાનું અવિનાશ પટેલ નામ હોવાનું કહી રમજાનશા કાસમશા શેખે પોતે બોટ લઇને વિદેશ જતા હોવાથી ત્યાંથી મોટી રકમનું સોનું લાવ્યા છે તે સોનું બજાર કરતા 25 ટકા ઓછા ભાવે વેચવાનું કહી ભૂજ બોલાવ્યા હતા. સસ્તામાં સોનું ખરીદ કરવા આવેલા કૌશલકિશોર ગાલવ ને તેના મિત્ર હરીમોહન મીણા રુા.7 લાખ રોકડા લઇને 15 તોલા સોનું ખરીદ કરવા ભુજ આવ્યા ત્યારે બંનેને અવિનાશ પટેલના પોતાના મિત્ર જોગેશ પટેલ નામ ધારણ કરેલા અમનશા શેખને ક્રેટા કાર લઇને મોકલ્યો હતો બંને રાજસ્થાની મિત્રોને ભૂજથી પાંચ કી.મી.દુર લઇ ગયા બાદ અલ્ટ્રો અને બલેનો કારમાં અન્ય ત્રણ શખ્સો આવ્યા હતા તેઓએ છરી બતાવી રોકડ સાથેની બેગ પડાવી લીધા અંગેની ફરિયાદ નોંધાઇ હતી.