પાટણ: રાજકોટ અને માંડલ બાદ ગુજરાતમાં વધુ એક જગ્યાએ આંખના ઓપરેશનમાં બેદરકારી સામે આવી છે. રાધનપુરની માણેકલાલ નાથાલાલ વખાડીયા સર્વોદય આંખની હોસ્પિટલમાં ઓપરેશનમાં બેદરકારી સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે 13 જેટલા દર્દીઓના મોતિયાના ઓપરેશન  કરવામાં આવ્યા હતા. જે બાદ 7 જેટલા દર્દીઓને આંખમાં ઈન્ફેક્શન થયું હોવાની ફરિયાદ સામે આવી છે.


 4 ફ્રેબુઆરીએ સાતેય દર્દીઓને અમદાવાદ સિવિલ રિફર કરાયા હતા


મળતી માહિતી પ્રમાણે સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં 2 ફેબ્રુઆરી આંખના ઓપરેશન થયા હતા. જે બાદ ઈન્ફેક્શન થતા  4 ફ્રેબુઆરીએ સાતેય દર્દીઓને અમદાવાદ સિવિલ રિફર કરાયા હતા. આ ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે, આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ થઈ નથી. પરંતુ રાજ્યમાં એક બાદ એક આવી ઘટનાઓ સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા રાજકોટ અને માંડલમાં પણ આવી ઘટના સામે આવી ચૂકી છે.


ડાબી આંખમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું


તમને જણાવી દઈએ કે, તાજેતરમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી જીટી શેઠ આંખની હોસ્પિટલમાં આંખના ઓપરેશન બાદ એક દર્દીએ પોતાની દ્રષ્ટી ગુમાવવાનો વારો આવ્યો હતો. દર્દીના પરિવારના આક્ષેપ બાદ ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ અંગે વિગતે વાત કરીએ તો, રાજકોટના આજી વિસ્તારમાં ખોડિયારપરામાં રહેતા માણસુરભાઈ મકવાણા નામના વ્યક્તિને મોતિયાના ઓપરેશન માટે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ જીટી શેઠ સરકારી હોસ્પિટલમાં  30 જાન્યુઆરીના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની ડાબી આંખમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદમાં તેમને રજા આપવામાં આવી હતી.


25 હજાર રુપિયા આપવાની પણ ઓફર કરી


જો કે, બાદમાં જે આંખમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું તે આંખમાં દુખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં તપાસ અર્થે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં ખાનગી હોસ્પિટલના તબીબે જોઈ તપાસી માણસુરભાઈ મકવાણાના ઓપરેશનમાં ઉણપ રહી હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરોના મતે મણી પડદા પાછળ જતી રહી હોવાનું જણાવ્યું હતુ. જે બાદ દર્દીના પરિવારજનો આક્રોશ સાથે ફરી સરકારી હોસ્પિટલમાં તબીબો સામે બેદરકારીનો આક્ષેપ ખળભળાટ મચી ગયો હતો. જો કે, ડોક્ટરે વધુ સારવાર માટે દર્દીને અમદાવાદ મોકલવા 25 હજાર રુપિયા આપવાની પણ ઓફર કરી હોવાની વાત સામે આવી હતી.