સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં વીજળી ગુલ થવાની 934 ફરિયાદ, જાણો કેટલા થાંભલા પડ્યા ? કેટલાં ટ્રાન્સફોર્મર બગડ્યાં ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Jun 2020 11:08 AM (IST)
ગઈકાલે સૌરાષ્ટ્રમાં પડેલ ભારે વરસાદને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઈ હતી. વરસાદને પગલે રાજકોટ ગ્રામ્યમાં 468 વીજ પોલ ધરાસાઈ થયા હતા.
રાજકોટઃ સત્તાવાર ચોમાસાનું આગમન થાય એ પહેલા જ સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડી ગયો છે. જોકે આ વરસાદને પગલે અનેક જગ્યાએ વીજળી ગુલ થવાની ફરિયાદો નોંધાઈ છે. સાથે સાથે વીજ પોલ ધરાસાઈ થવાની ઘટનાઓ પર સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ જોવા મળી છે. મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદને કારણે એક જ દિવસમાં વીજળી ગુલ થવાની 934 ફરિયાદ મળી હતી. બીજી બાજુ ભારે વરસાદને પગલે 1516 જેટલા વીજ પોલ પડી ગયા હતા અને 161 જેટલા ટ્રાન્સફોર્મર ખરાબ થયા હતા. ગઈકાલે સૌરાષ્ટ્રમાં પડેલ ભારે વરસાદને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઈ હતી. વરસાદને પગલે રાજકોટ ગ્રામ્યમાં 468 વીજ પોલ ધરાસાઈ થયા હતા. દર વખતે ચોમાસાની શરૂઆત પહેલા pgvcl કામગીરી કરે છે પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ હતી. અગાઉ પણ પ્રથમ વરસાદમાં જ રાજકોટ શહેર ના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. આ પહેલા સૌરાષ્ટ્રના અમરેલીના ખાંભામાં 2.5 ઈંચ, સાવરકુંડલામાં 2.1 ઈંચ અને રાજૂલામાં 2.04 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. અમરેલી શહેરમાં પણ ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યારે ભાવનગરમાં ઉપરના માળનો કાટમાળ ધરાશાયી થતાં બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બગસરા-કુકાવાવ માર્ગ પર બાવળના ચાર ઝાડ પડતાં હાઈવે પર ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા હતાં. જામકંડોરણા તાલુકના જામદાદર ગામે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. રાજુલા પંથકમાં સાંબેલાધાર વરસાદથી શહેરની ઘાણો નદીમાં ઘોડાપુર આવ્યું છે. ગીર સોમનાથ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ ગ્રામ્યમાં 1થી 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજુલામાં 3 ઈંચ, ખાંભામાં 2 ઈંચ, ધારીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજુલામાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. જેને કારણે નદીઓમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. આ ઉપરાંત ભારે પવનને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.