રાજકોટઃ રાજકોટમાં બનેલી એક ઘટનામાં 19 વર્ષની યુવતીને એક યુવક સાથે પ્રેમ થયો હતો ને શારીરિક સંબંધો બંધાયા હતા. આ સંબંધના કારણે યુવતી પ્રેગનન્ટ થઈ ગઈ હતી ને લગ્ન પહેલાં જ યુવતીએ રવિવારે બપોરે હોસ્પિટલમાં અધૂરા માસે પુત્રને જન્મ આપ્યો હતો.

આ અંગે હોસ્પિટલે પોલીસને જાણ કરતાં યુવતી પર બળાત્કાર થયાની શંકાએ પોલીસ અધિકારીઓ દોડ્યા હતા પણ પોલીસને હોસ્પિટલનો માહોલ જોઈને આંચકો લાગી ગયો હતો. યુવતીના પરિવારને પુત્રી લગ્ન પહેલાં માતા બની તેનો કોઈ અફસોસ નહોતો. બલ્કે યુવકના પરિવારજનો પણ હાજર હતા. પુત્રના જન્મ સાથે જ યુવતી અને યુવકના પરિવારજનોએ બંનેનું વેવિશાળ નક્કી કરી નાખ્યું હતું. યુવકના પરિવારજનોએ પણ બાળકને અપનાવવાની ખાતરી આપી હતી.

આ ઘટનાની વિગત એવી છે કે, કોઠારિયા રોડ પર આવેલા એક ગામમાં રહેતી 19 વર્ષની યુવતીને રવિવારે સવારે પેટમાં દુખાવો ઉપડતાં તેના પરિવારજનોએ તાકીદે હોસ્પિટલમાં ખસેડી હતી. બપોરે યુવતીએ અધૂરા માસે પુત્રને જન્મ આપ્યો હતો. બાળકની તબિયત લથડતાં તેને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું.

બીજ તરફ હોસ્પિટલના સત્તાવાળાઓએ પોતાની ફરજ બજાવીને કુંવારી યુવતીએ બાળકને જન્મ આપ્યાની જાણ આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ ચાવડાને કરતાં પોલીસ ટીમ દોડી ગઇ હતી. યુવતીએ બળાત્કારનો ભોગ બનીને બાળકનો જન્મ આપ્યો હશે એવી માન્યતા સાથે પહોંચેલી પોલીસને અલગ જ વાત જાણવા મળી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, 19 વર્ષની યુવતીને તેની જ જ્ઞાતિના યુવક સાથે પ્રેમસંબંધ હતો. બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. આ સંબંધોની બંનેના પરિવારજનોને જાણ હતી અને બંનેના સગપણની વિચારણા પણ ચાલતી હતી ત્યાં જ યુવતી પ્રેગનન્ટ થઈ ગઈ હતી. પરિવારજનો કશું કરે એ પહેલાં રવિવારે યુવતીઅ પુત્રને જન્મ આપ્યો હતો. બાળકનો જન્મની જાણ થતાં યુવક અને તેના પરિવારજનો પણ હોસ્પિટલે દોડી ગયા હતા. યુવક અને યુવતીના પરિવારજનોએ વેવિશાળ કરાવી દેવાનું નક્કી કર્યું હતું. યુવતીના કુંવારી માતા બનવા અંગે કોઇ ફરિયાદ નહીં હોવાનું યુવતીના પરિવારજનોએ પોલીસ સમક્ષ કહ્યું હતું તો યુવકના પરિવારજનોએ પણ યુવક અને યુવતીના સંબંધને આગામી દિવસોમાં લગ્નગ્રંથિથી માન્યતા આપવાની વાત કરી બાળકને પણ અપનાવી લેવાની ખાતરી આપી હતી.