રાજકોટ: શહેરના રૈયાધારા અને ગાંધીગ્રામ શાસ્ત્રીનગરની બે છોકરીઓએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. 17 અને 20 વર્ષની બે છોકરીઓએ આપઘાત કરી લીધો છે. એક બહેનપણી આપઘાત કર્યો તેના શોકમાં બીજીએ પણ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ૧૭ વર્ષની પૂજા અને ૨૦ વર્ષની જીવીએ આપઘાત કરી જીવ ટૂંકાવ્યો છે. પૂજા ના આપઘાતના સમાચાર થી જીવીએ પણ આપઘાત કરી જીવ ટૂંકાવ્યો છે. બંન્ને બહેનપણી ખજૂર પેકીંગનું કામ કરતી હતી. રૈયાધાર અને ગાંધીગ્રામ શાસ્ત્રીનગરના બાવાજી અને ભરવાડ પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. 


મળતી વિગતો પ્રમાણે, રૈયાધારમાં રહેતી પૂજા રામાવત (ઉં.વ.17)એ ગઈ કાલે સાંજે ઘરમાં ગળેફાંસો ખઆઈને આપઘાત કરી લીધો હતો.  રૂમને અંદરથી લોક કરી એંગલ સાથે ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. પૂજા મોબાઇલમાં વધુ વ્યસ્ત રહેતી હોવાથી કદાચ પરિવારે ઠપકો આપ્યો હોય આપઘાત કર્યો હોવાની પોલીસને શંકા છે. જોકે, ચોક્કસ કારણ સામે આવ્યું નથી. 


આ ઘટના પછી રાતે બાર વાગ્યે ગાંધીગ્રામમાં જીવીબેન ધાંગીયા (ઉં.વ.20)એ પોતાના ઘર પાસેના ઢોર બાંધવાના ઢાળિયામાં આપઘાત કરી લીધો હતો. જીવીબેનના બે વર્ષ પહેલા પડધરીના રંગપરમાં લગ્ન થયા હતા. હવે દિવાળી પછી આણું કરીને દીકરીને સાસરે વળાવવાની હતી. જોકે, આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આપઘાત કરનાર પૂજા અને જીવી મિત્રો હતી. બંને ખૂજર પેકીંગ કરવાના ડેલામાં પાંચેક વર્ષથી સાથે કરતી હતી. સાંજે પૂજાએ આપઘાત કરી લેતાં જીવી ત્યાં દોડી ગઈ હતી અને ખૂબ જ કલ્પાંત કર્યું હતું. જેને કારણે તે અર્ધબેભાન જેવી થઈ ગઈ હતી. જેથી પરિવારે તેને સાંત્વાના આપી ઘરે મોકલી દીધી હતી., જ્યાં મોડી રાતે તેમે આપઘાત કરી લીધો હતો. આમ, બે મિત્રોના આપઘાતને પગલે પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.