રાજકોટ : રાજકોટ રેલ્વે સ્ટેશન  પર અમદાવાદ-સોમનાથ ટ્રેન નીચે કપાઈ જતા  રેલવે પોલીસકર્મી મનસુખભાઈ જીંજરીયા (ઉ.વ.42)નું કમકમાટીભર્યું મોત થયું છે. આ ઘટનાને લઈ પોલીસ વિભાગમાં ગમગીની વ્યાપી ગઈ છે.  રેલવે પોલીસના સૂત્રોએ જણાવ્યું કે મનસુખભાઈ આ પહેલા  પોપટપરા માઉન્ટેડ પોલીસ લાઈનમાં રહેતા હતા. થોડા સમય પહેલા જ આજી ડેમ પાસેના માંડાડુંગર પાસે નવું મકાન લીધુ હતું અને તેઓ  ત્યાં રહેવા આવ્યા હતા.


આરોપી અમદાવાદ-સોમનાથ ટ્રેનમાં આવી રહ્યાની બાતમી


અહેવાલ અનુસાર,  રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને મનસુખભાઇ વિરજીભાઇ જીંજરિયા (ઉ.વ.42) શનિવારે રાત્રે બે વાગ્યે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. રેલવે પોલીસ સ્ટેશને સાથી કર્મચારી એએસઆઇ પરેશભાઇ ડોડિયા હાજર હોય તેમણે મનસુખભાઈને પૂછ્યું કે, અત્યારે કેમ આવ્યા ? તમારી તો સવારની ડ્યુટી છે ? જેથી મનસુખભાઇએ કહ્યું હતું કે, મોબાઇલ ચોરીની તપાસ તેમની પાસે છે. જેનો આરોપી અમદાવાદ-સોમનાથ ટ્રેનમાં આવી રહ્યાની બાતમી  મળી છે. મોબાઈલ ચોરની બાતમી મળતા તપાસમાં ગયેલા પોલીસમેનનું ટ્રેન હેઠળ કપાઈ જતા મોત નીપજ્યું હતું. આ બનાવ અકસ્માતનો છે કે પછી કોઈએ ધક્કો માર્યો? તે અંગે તપાસ હાથ ધરાઈ છે.


ટ્રેન સ્ટેશન પર આવી ગઇ છે. આરોપીને પકડવા જાવ છું, જરૂર પડશે તો તમને મદદ માટે બોલાવીશ. તેમ કહીં તે જતા રહ્યા હતા. 10 મિનિટ પછી એએસઆઇ ડોડીયા પોલીસ સ્ટેશનમાં જ બેઠા હતા ત્યાં સ્ટેશન માસ્ટરનો મેમો આવ્યો અને કોઈ ટ્રેન હેઠળ કપાઈ ગયું હોય તેવી જાણ કરાઈ હતી. પરેશભાઈ ડોડીયા ત્યાં પહોંચીને જોતા મનસુખભાઇનો મૃતદેહ બે કટકા થયેલી હાલતમાં પડ્યો હતો.


ચોરીના બે કેસની તપાસ તેઓ કરી રહ્યા હતા


મનસુખભાઈ રાત્રે નોકરી પર હતા. હાલમાં ચોરીના બે કેસની તપાસ તેઓ કરી રહ્યા હતા. આ તપાસના કામે રેલવે પોલીસ મથકથી પ્લેટફોર્મ પર ગયા હતા. જતા પહેલા સાથી કર્મચારીઓને તપાસમાં જાઉ છું, જરુર પડે એટલે ફોન કરી બોલાવી લેવા કહ્યું હતું. અમદાવાદ-સોમનાથ ટ્રેન આવતા તેમાં ચડવા કે ઉતરવા જતાં ટ્રેનની નીચે આવી જતા શરીરના બે કટકા થઈ ગયા હતા. આ અકસ્માતની ઘટનાને લઈ સ્ટેશન માસ્તરે જાણ કરતા રેલ્વે પોલીસ આવી ગઈ હતી અને પોતાના સાથીનો મૃતદેહ જોઈ આઘાતથી સ્તબ્ધ થઈ ગઈ હતી. 


મનસુખભાઇની ફરજનિષ્ઠ કર્મચારી તરીકેની છાપ



મનસુખભાઇની ફરજનિષ્ઠ કર્મચારી તરીકેની છાપ હતી. તેમના નિધનથી પોલીસ બેડામાં શોક છવાયો હતો. મૃતક મૂળ વિંછીયાના ગુંદાળા ગામના વતની હતા. ત્યાં તેમના માતા-પિતા, ભાઈઓ સહિતનો પરિવાર ખેતી કરે છે. મૃતક મનસુખભાઈએ એક વર્ષ પહેલા જ આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગર વિસ્તારમાં તિરૂમાલા પાર્કમાં નવું મકાન ખરીદ્યું હતું. અહીં તેઓ પત્ની અને બે પુત્રી તેમજ 10 વર્ષના પુત્ર સાથે રહેતા હતા. આશરે 15 વર્ષથી તેઓ પોલીસ વિભાગમાં સેવા આપતા હતા. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial