રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં પુત્રના લગ્નની કંકોત્રી આપીને જતા સમયે અકસ્માતની ઘટના બની છે. ગોંડલના વાછરા રોડ પર બાઈક સવાર પર વૃક્ષ પડતા પુત્રની નજર સામે જ માતાનું મોત નિપજ્યું હતું. જસદણ તાલુકાના વેરાવળ ગામેથી ગોંડલના વાછરા ગામે સગાને ત્યાં માતા પુત્ર કંકોત્રી આપવા આવ્યા હતા.
કંકોત્રી આપ્યા બાદ ગોંડલ ખરીદી કરવા જતાં સમયે ચાલુ બાઈક પર ઝાડ પડતા પુત્રને ઇજા થઈ હતી. જ્યારે માતા વિજયાબેનને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. વૃક્ષ પડવાના બનાવના પગલે 108 અને નગરપાલિકાની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. પુત્રને ગંભીર ઈજા થતાં ગોંડલ નગરપાલિકા એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો.
મૃતક વિજયાબેનના મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. આ અકસ્માતની ઘટનાને લઈ ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પુત્રના લગ્ન પહેલાં માતાના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.
ભાવનગર-તળાજા નેશનલ હાઇવે પર સાણોદરના પાટીયા પાસે ટ્રક પાછળ બાઈક ઘૂસી ગઈ, 2 યુવકનાં મોત
રાજયમાં અકસ્માતનો સિલસિલો વણથંભોય છે. ભાવનગર- તળાજા નેશનલ હાઈવે પરે સાણોદરના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાણોદરના પાટીયા પાસે પાર્ક કરેલા ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતા બાઈક સવાર ત્રણ યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતા. જે બાદ તમામને સારવાર માટે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસી બે યુવકોને મૃત જાહેર કર્યા હતા. ત્રણેય યુવકો વાવડી ગામેથી સીમંત પ્રસંગમાંથી પરત ઘરે આવી રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં નિલેષ અને અનિલ નામના યુવાનનું મોત નીપજ્યું છે, ત્રણેય યુવકો ભાવનગર નજીકના સિદસર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
ડંપર ચાલકે બાઇક સવારને મારી ટક્કર, ઘટના સ્થળે જ મોત
અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરમાં એસ.જી હાઇવે કારગિલ પેટ્રોલ પંપ ચાર રસ્તા પાસે મિક્ષ્ચરના ડંપર ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માત સર્જી ડંપર મિક્ષ્ચર ચાલક ફરાર થઈ ગયો હતો. એ ડીવીઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.