રાજકોટ: શહેરમાં ખરાબ રોડ રસ્તાને લઈને અનેક વખત ફરિયાદો ઉઠી ચૂકી છે. આ મામલે સ્થાનિકોએ ઘણીવાર રજુઆતો પણ કરી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. હવે હાઇવે પર ખાડાનાં કારણે વધુ એકનું મોત થયું છે. આજીડેમથી કોઠારીયા ચોકડી તરફ જવાના પુલ પર અક્સ્માત સર્જાયો હતો.


ખાડા અને હાઇવે પર રેતીના કારણે અકસ્માત સર્જાયો હતો. ખાડા અને રેતીના કારણે બાઈક પરથી કાબુ ગુમાવતા ચાલક નીચે પટકાયો હતો. જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. સાવન હેમંતભાઈ ખાતરાણી નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આશાસ્પદ યુવાન મૂળ લતીપર ગામનો વતની હતો. આમ રાજકોટનાં બિસ્માર રસ્તાને કારણે  યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. યુવકના મોતને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.


ગ્રીન લેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના હાઇવે પર ખાડા અને રેતીની ભરમાર છે. તેમજ બેડી ચોકડીથી અમદાવાદ તરફ જવાનો હાઇવે પણ બિસ્માર હાલતમાં છે. ખાડાનાં કારણે લોકોનાં જીવ જઈ રહ્યા છે. 


નર્મદા કેનાલમાંથી મળી આવી આધેડની લાશ,મોતનું કારણ અકબંધ



સુરેન્દ્રનગર: દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આધેડની લાશ મળી આવી છે. આસપાસના લોકોએ કેનાલમાં લાશ તરતી જોતા સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરી હતી. પાલિકાની ફાયર ફાયટર ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને બહાર કાઢી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ વઢવાણ ૮૦ ફૂટ રોડ પર રહેતા ધનજીભાઈ ગમારા હોવાનું બહાર આવ્યું છે. 




આ અંગે સામે આવેલી વિગતો અનુસાર થોડા દિવસો પહેલા ઘરેથી ચાલ્યા ગયા બાદ આજે કેનાલમાંથી તેમની લાશ મળી આવી છે. અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હોવાની ચર્ચાઓ છે. જો કે, તેઓ ઘરેથી શા માટે નિકળ્યા હતા તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.



અમરેલીમાં આજે ચલાલા-ખાંભા રોડ પર એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ધારગણીથી વાવડી પાસે એસટી બસએ છકડો રિક્ષાને ટક્કર મારી હતી. ગાંધીનગર કોડીનાર રૂટની એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં છકડો રિક્ષામાં સવાર 4 માંથી બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે. એકને સામાન્ય અને બીજાને ગંભીર ઇજા થઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્તને ભાવનગર વધુ સારવાર અર્થે ખસેડાયા હતા. મૃતદેહ ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લવાયા હતા. પોલીસ દ્વારા આ મુદ્દે વધુ તપાસ હાથ ધરાઈ છે. મૃતકના નામ મુકેશભાઈ સવજીભાઈ તથા સિકંદરભાઈ  (ધારગણી) હોવાનું સામે આવ્યું છે.