રાજકોટ: ખંડણી અને ધમકીને લઈને કુખ્યાત દિલ્હીની બિશ્નોઇ ગેંગના તાર હવે રાજકોટ સુધી લંબાયા છે. દિલ્હીમાં બે કરોડની ખંડણી કેસમાં ત્રણ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાજકોટનો હરેન નામનો યુવાન પણ દિલ્હીમાં ઝડપાયો છે. નવા જોડાયેલા હરેનએ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ ખંડણી કેસને લઈને વટાણા વેરી દીધા હતા. બિશ્નોઇ ગેંગના લોરેન્સના ભાઈ અનમોલએ રાજકોટના હરેનનો instagram પર સંપર્ક કરીને તેને ગેંગનો સભ્ય બનાવ્યો હતો.


કઈ રીતે ખંડણી માંગવામાં આવી તેની સમગ્ર હકીકત હરેન એ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચને આપી દીધી છે. બિશ્નોઇ ગેંગના તાર રાજકોટ સુધી લંબાતા એજન્સીઓ એલર્ટ બની છે. તમને જણાવી દઈએ કે, બિશ્નોઈ ગેંગ પર હત્યા, ધમકી અને ખંડણી માગવાને લઈને અનેક ગુન્હાઓ નોંધાયા છે. આ ઉપરાંત અભિનેતા સલમાન ખાનને પણ મારી નાખવાની ધમકી આપી હતી.


ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્યનું નિધન


સાબરકાંઠા: ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ ભુરાભાઈ રાઠોડનું નિધન થયું છે. તેઓ 86 વર્ષની ઉંમરે અનંતના માર્ગે ચાલ્યા ગયા છે.  ગુજરાત વિધાનસભામાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના ધારાસભ્ય રહી ચૂકેલા જેઠાભાઈ રાઠોડ  વર્ષ 1967થી 1971 સુધી ખેડબ્રહ્માના ધારાસભ્ય પદે રહ્યા હતા. તમને જણાવી દઈએ કે,  જેઠાભાઇ રાઠોડ સાઈકલ પ્રવાસ કરી સ્થાનિક કોંગ્રેસ ઉમેદવાર સામે સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે 17 હજારથી વધુ મત મેળવી વિજેતા થયા હતા. પોતાની પ્રમાણિકતાને લઈને પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ન્યૂઝ પેપર અને ટીવી ચેનલોમાં જેઠાભાઈ હંમેશા ચર્ચામાં રહેતા હતા. એટલું જ નહીં જેઠાભાઇ રાઠોડ એસ.ટી. બસમાં ખેડબ્રહ્માથી ગાંધીનગર જતા હતા. 


 



વધુ એક ગુજરાતી યુવકની કેનેડામાંથી મળી આવી લાશ


મૂળ ભાવનગરના સિદસર ગામનાં એક પટેલ પરિવારના પુત્રની કેનેડામાંથી લાશ મળી આવી છે. સીદસર ગામનો આયુષ રમેશભાઈ ડાખરા નામનો યુવાન કેનેડાના ટોરેન્ટો શહેરમાં અભ્યાસ કરતો હતો. ગઈ તારીખ 5 મેં ના રોજ આ યુવાન ગુમ થયો હતો હવે તેની લાશ મળી આવી છે. મૃતક વિદ્યાર્થીના પિતા રમેશભાઈ ડાખરા Dysp તરીકેની ફરજ બજાવે છે. મૃતક આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટો શહેરમાં આવેલી York યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો હતો. હાલ આયુષનાં પરિવારજનો રહસ્યમય મોતના મામલે કઈ પણ કહેવાનો ઈન્કાર કરી રહ્યા છે.


વડોદરામાં તળાવ કિનારે કપડા ધોતી મહિલાને મગર પાણીમાં ખેંચી જતા અરેરાટી


વડોદરા: કરજણ સ્વામી વિવેકાનંદ તળાવમાં મગર એક મહિલાને પાણીમાં ખેંચી ગયો છે. સામે આવેલી વિગતો અનુસાર મહિલા તળાવ કિનારે કપડા ધોવા માટે ગઈ હતી. તળાવમાં કપડા ધોતી વખતે અચાનક મગર મહિલાને પાણીમાં ખેચી ગયો હતો. મહિલા કરજણ જુનાબજાર વિસ્તારમાં રહેતા હતા અને તેમનું નામ ચંચલબેન રાઠોડ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાને પગલે કરજણ સ્વામી વિવેકાનંદ તળાવ કિનારે લોકોની ભીડ જામી હતી. કરજણ ફાયર વિભાગને જાણ કરાતાં કરજણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટીમે મહિલાની શોધખોળ ચાલુ કરી છે.