રાજકોટ: રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના બનતા ખળભળાટ  મચી ગયો છે. રાજકોટ શહેરના કોઠારીયા રોડ ન્‍યુ સાગર સોસાયટીમાં રાતે મોહસીન આદમાણીને તેના જ ભાવી બનેવી સહિત છ  શખ્સોએ લાકડાના ધોકા ફટકારી મોતને ઘાટ ઉતારી દેતાં પરિવારમાં માતમ છવાયો છે.  રાજકોટમાં જંગલેશ્વરમાં  રહેતાં મૃતકના ભાઈ અયાન અબ્દુલ આદમાણીએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હાજી સુમાર ડોઢિયા, મહમદ હાજી, નૌશાદ જાહિદ જોબન, એઝાઝ જાહિદ જોબન, મકબુલ સુલેમાન પતાણી અને પરાગ રમેશ કારેલીયાનું નામ  આપવામાં આવ્યું હતું. 


બહેનની સગાઈ છ મહિના પહેલા આરોપી નૌશાદ સાથે થઈ હતી


ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમના બહેનની સગાઈ છ મહિના પહેલા આરોપી નૌશાદ સાથે થઈ હતી. નૌશાદ કાળો હોવાના કારણે ફરિયાદીના મોટા ભાઈ મોહસીન આદમાણીને તે પસંદ નહતો. આ કારણે મોહશીનને તે સગાઈ રાખવી નહોતી. આ  મામલે વાતચીત કરવાં ફરિયાદી તથા તેનો ભાઈ મોહસીન બંને આરોપીના ઘરે બાઇક પર ગયા હતાં.




108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો


આરોપીઓના ઘરે પહોંચ્યા ત્યારે વાતચીત શરુ થાય તે પહેલાં જ  તેમણે મોહસીન પર હુમલો કર્યો હતો. આરોપીઓએ ઢોર માર મારતા મોહસીન બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. સૌપ્રથમ આરોપીઓ વિરૂદ્ધ  હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બાદમાં ટૂંકી સારવારમાં યુવકનું મોત નિપજતાં 302 ની કલમનો ઉમેરો કરી પોલીસે પાંચ આરોપીને સકંજામાં લઈ અન્ય આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી.  


પોલીસે આરોપીઓને સકંજામાં લઇ લીધા


પોલીસે હત્યાના  આ બનાવમાં હત્‍યાનો ભોગ બનેલા જંગલેશ્વર શેરી નં 15માં ‘યા કામુનશા વલી' નામના મકાનમાં રહેતાં મોહસીન અબ્‍દુલભાઇ આદમાણી (ઉ.વ.31)ના નાના ભાઇ અયાન અબ્‍દુલભાઇ આદમાણી-સુમરા (ઉ.વ.19)ની ફરિયાદ પરથી તેના ભાવી બનેવી નૌશાદ જાહીદભાઇ જોબન, નૌશાદના ભાઇ એઝાઝ જાહીદભાઇ જોબન તેમજ હાજીભાઇ સુમારભાઇ દોઢીયા, હાજીભાઇનો છોકરો મહમદ, મકબુલ સુલેમાનભાઇ પતાણી અને પરાગ રમેશભાઇ કારેલીયા વિરૂધ્‍ધ રાયોટીંગ-હત્‍યાનો ગુનો નોંધી તમામ આરોપીઓને સકંજામાં લઇ લીધા છે. 


ન્યુ સાગર સોસાયટીમાં બહેનની સગાઈની ના પાડવા ગયેલ મોહસીન સુમરાની છ શખ્સોએ ઢોર મારમારી હત્યા નીપજવી હતી. મોતને ભેંટનાર યુવકના દોઢ માસ પેહલાં જ લગ્ન થયાં હતાં. પરિણીતાની મહેંદીનો રંગ ઉતરે તે પેહલાં જ પતિનું મોત થતાં પરિવારમાં આક્રંદ સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું.