રાજકોટ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખૂબજ સારૂ પ્રદર્શન કરનારી આમ આદમી પાર્ટીને રાજકોટમાં ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટી રાજકોટમાં મોટુ ભંગાણ થયું છે. રાજકોટ શહેર યુવા પ્રમુખ, સેન્ટ્રલ ઝોન પ્રભારી, અને શહેર મહામંત્રી સહિત 300 જેટલા કાર્યકર્તાઓએ રાજીનામા આપી દિધા છે.
રાજીનામા આપવા પાછળનું કારણ પાર્ટીમાં યુવાઓની અવગણના થતી હોવાનું જણાવ્યું છે. રાજીનામાં અંગે પૂર્વ આપ નેતા ઇન્દુભા રાઓલે જણાવ્યું હતું કે, કેજરીવાલ અને આપની વિચારધારાથી યુવાઓ રાજનીતિને આગળ વધારવા આપ સાથે અમે તમામ લોકો જોડાયા હતા. પરંતુ પાર્ટીમાં યુવાનોનો માત્ર રેલી કે સભા દરમિયાન જ ઉપયોગ કરવામાં આવતો હતો. તેમજ યુવાનોની અવગણના થતી હતી. આ અંગે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાને યુવાનોની અવગણના બાબતે વારંવાર રજુઆત કરવામાં આવી હતી. પરંતુ આમ છતાં પણ કોઇ યોગ્ય નિરાકરણ ન આવતા અમે તમામ લોકોએ રાજીનામાં આપ્યા છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપના 27 ઉમેદવારની જીત થઈ હતી. હવે આમ આદમી પાર્ટી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પૂરી તાકાત સાથે લડવા માંગે છે. જેને લઈ આપના પ્રદેશ હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું.
વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી મેદાને છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા 2022માં વિધાનસભાની ચૂંટણી લડશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 50 લાખ સાચા કાર્યકરો કરવાનો હેતુ છે. કાર્યકર્તા સંમેલનમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા અત્યારથી જ વિધાનસભા 2022ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સુરતમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેનટરોએ જીત મેળવી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના શાનદાર દેખાવ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા. અરવિંદ કેજરીવાલે સુરતમાં ભવ્ય રોડશો યોજ્યો હતો.