Gopal Italia Rajkot Rally: રાજકોટ, જે ભાજપનો ગઢ માનવામાં આવે છે, ત્યાં આમ આદમી પાર્ટી (AAP) એ પોતાની શક્તિ પ્રદર્શિત કરી. વિસાવદરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ની ભવ્ય વિજય યાત્રા નું આયોજન કરવામાં આવ્યું. મવડી ચોકડી થી રૈયા રોડ સુધી યોજાઈ રહેલી આ યાત્રામાં AAP ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા, જે ભાજપના ગઢમાં ગાબડું પાડવાના AAP ના પ્રયાસોનો સંકેત આપે છે.

વિજય યાત્રા અને ગોપાલ ઇટાલિયાના નિવેદનો

વિજય યાત્રા શરૂ થતા પહેલા ગોપાલ ઇટાલિયા એ રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને શ્રદ્ધાંજલિ અર્પી અને તેમના કાર્યોના વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે, "મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે. સામાન્ય રીતે ધારાસભ્યો જીત્યો હોય તો એના પાંચ લોકો જ રાજી થાય. એક તરફ ભાજપની આખી ફોજ હતી, બીજી તરફ હું અને અમારા ઇસુદાનભાઈ તથા મનોજભાઈ હતા. વિસાવદરમાં ખેડૂતોની ફોજે મને જીતાડ્યા. અસત્યની સામે સત્યનો વિજય થયો."

ગોપાલ ઇટાલિયા એ રાજકોટમાંથી વિજય સંદેશ યાત્રા નીકળવાની જાહેરાત કરતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે નામ લીધા વિના રાજકોટના નેતાઓ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, "મને હરાવવા માટે નાયાધોયા વિના અનેક રાજકોટ ભાજપના નેતાઓ આંટા મારતા હતા. રાજકોટ શહેર અને જિલ્લાના અગ્રણીઓ વિસાવદર આંટા મારતા હતા. રાજકોટના રોડ રસ્તાઓ કેવા છે, ત્યાં આવીને પેરિસ જેવા રોડની વાતો કરતા હતા."

રાજ્યના રોડ રસ્તાઓ અને ભૂમાફિયા સામે કાર્યવાહી ન કરવા બદલ તેમણે ફરી ગૃહ રાજ્ય મંત્રી પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, "રાજ્યની પોલીસમાં ત્રેવડ નથી કે આવા માથાભારે તત્વો સામે કાર્યવાહી કરે." આ નિવેદનો AAP અને ભાજપ વચ્ચેની રાજકીય ખેંચતાણ વધુ તીવ્ર બનાવશે તેવું લાગી રહ્યું છે.

વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત

ગુજરાતમાં વિસાવદર બેઠક પર તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ બમ્પર જીત સાથે પોતાની બેઠક સફળતાપૂર્વક જાળવી રાખી હતી. ભૂપત ભાયાણીના રાજીનામા બાદ ખાલી પડેલી આ બેઠક પર AAPના ગોપાલ ઇટાલિયાએ ફરી એકવાર બાજી મારી લીધી હતી.

ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામે 17,554 મતોની જબરદસ્ત સરસાઈ મેળવીને પ્રચંડ વિજય હાંસલ કર્યો હતો. આ જીત સાથે જ ગોપાલ ઇટાલિયા સત્તાવાર રીતે ધારાસભ્ય બની ગયા હતા અને તેમને પ્રમાણપત્ર પણ મળી ચૂક્યું હતું.

વિસાવદરમાં કુલ 21 રાઉન્ડની મતગણતરીના અંતે, AAPના ગોપાલ ઇટાલિયાને 75,906 મત મળ્યા હતા, જે કુલ મતોના 51% થી વધુ હતા. જ્યારે ભાજપને 58,325 મત મળ્યા હતા, તો બીજી તરફ કોંગ્રેસને માત્ર 5,491 મત મળ્યા હતા. ગોપાલ ઇટાલિયાની આ ભવ્ય જીતને કારણે AAPના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર ગુજરાતમાં આ વિજયની નોંધ લેવાઈ હતી.