ACCIDENT: રાજકોટ જિલ્લાના ગોંડલ મોવિયા રોડ પર બોલેરો અને ત્રિપલ સવારી બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. મોવિયા ગામ નજીક દાડમા દાદાના મંદિર પાસે અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ હતી. બોલેરો નંબર GJ14 X 8127 અને GJ 03 FN 6359 નંબરના બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકમાં સવાર ત્રણ પૈકી એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે બેને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માતનો ભોગ બનેલ યુવકો ગોંડલના દેરડી(કુંભાજી) ગામના હોવાની વિગત સામે આવી છે. મૃતકને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે અને ઈજાગ્રસ્તો ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.


ગુજરાત સુપરફાસ્ટ ટ્રેન સાથે ઢોર અથડાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા


Gujarat Superfast Train: વંદે ભારત ટ્રેન સાથે એક અઠવાડિયામાં બે વખત ઢોર અથડાવાની ઘટના સામે આવી ચૂકી છે. તો હવે આણંદથી નડિયાદ તરફ જતી ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનની વચ્ચે ઢોર આવ્યું હતું. મુંબઈથી અમદાવાદ ટ્રેન જઈ રહી હતી ત્યારે આ ઘટના સામે આવી હતી. વંદે ભારત ટ્રેનનો ગઈકાલે અકસ્માત થયો હતો તે જ ટ્રેક પર આજે ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનનો અકસ્માત થયો. ટ્રેન સાથે ઢોર અથડાતાં મુસાફરોના જીવ તાળવે ચોંટયા. ઢોર ટ્રેન નીચે કપાતા રેલ વ્યવહારને અસર થઈ હતી. જો કે, થોડીવાર ટ્રેન રોકાઈ હતી અને બાદમાં ટ્રેન ફરી શરૂ થઈ હતી.


 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો સતત બીજા દિવસે અકસ્માત


વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો સતત બીજા દિવસે અકસ્માત થયો છે.  ગુજરાતના આણંદ સ્ટેશન નજીક શુક્રવારે વંદે ભારત એક્સપ્રેસ ગાય સાથે અથડાઈ હતી, જેના કારણે ટ્રેનના આગળના ભાગને નજીવું નુકસાન થયું હતું. દુર્ઘટના સમયે ટ્રેનનો ડ્રાઈવર સંપૂર્ણ સતર્ક હતો. તેણે તરત જ ટ્રેનની વ્હીસલ વગાડી અને બ્રેક લગાવી, પરંતુ રિસ્પોન્સનો સમય ઓછો હતો. આ અકસ્માત ગાંધીનગર-મુંબઈ વચ્ચે થયો હતો. બે દિવસમાં આ બીજો અકસ્માત છે. એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે નવી શરૂ થયેલી સેમી-હાઈ સ્પીડ ટ્રેન ચાર ભેંસ સાથે અથડાઈ હતી. જેમાં ટ્રેનના આગળના ભાગને જ નુકસાન થયું હતું. જેને 20 મિનિટ બાદ રવાના કરવામાં આવી હતી.



રેલ્વે અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ટ્રેનને કોઈ મોટું નુકસાન થયું નથી, સિવાય કે તેની આગળની પેનલ પર એક નાનો ઘોબો પડ્યો હતો. આ ઘટના શુક્રવારે બપોરે 3:48 કલાકે મુંબઈથી લગભગ 432 કિલોમીટર દૂર આણંદ નજીક બની હતી. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે આ વાતની પુષ્ટિ કરી હતી. તેણે જણાવ્યું કે ટ્રેનના આગળના ભાગમાં એક નાનો ઘોબો પડ્યો છે.  તમામ મુસાફરો સુરક્ષિત છે. તમને જણાવી દઈએ કે 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમી હાઈ સ્પીડ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. 6 દિવસ બાદ ટ્રેન સતત બે વખત અકસ્માતનો શિકાર બની રહી છે. સદનસીબે બંને દિવસે બનેલા અકસ્માતમાં મુસાફરોને કોઈ જાનહાનિ થઈ ન હતી.