રવિવારે સાળંગપુર દર્શને જઇ રહેલા રાજકોટના પરિવારને જસદણના લીલાપુર નજીક અકસ્માત નડ્યો હતો. અકસ્માતની આ ઘટનામાં એક યુવકનું મોત થયું છે. ઓવરટેક કરીને આગળ જતાં સામેથી આવતી કાર સાથે અન્ય કાર અથડાઇ હતી. આ અકસ્માતની ઘટનામાં બને કારમાં બેસેલા મુસાફરોને ગંભીર ઇજા પહોંચી હતી.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં તાલુકા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી.
વાહનને ઓવરટેક કરવા જતાં સાળંગપુરથી આવી રહેલી કાર સાથે ધડાકાભેર અન્ય કાર અથડાઇ હતી. એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બંને કારમાં સવાર 9 વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસને જાણ કરી છતા દારુ વેંચનાર સામે ન કરી કાર્યવાહી
ગુજરાતમાં દારુબંધીને લઈને અનેક સવાલો ઉઠતા રહે છે.અનેક પ્રયાસો છતા રાજ્યનાં દારુના વેંચાણ પર પૂર્ણ પ્રતિબંધો લાદી શકાયા નથી. તો બીજી તરફ પોલીસની કામગીરીને લઈને પણ અનેક વખત સવાલો ઉઠી ચૂક્યા છે. લોકોનો આરોપ છે કે, પોલીસની ઢીલી કામગીરીને કારણે દારુનો વેપલો ચાલી રહ્યો છે.હવે આવી જ ઘટના સામે આવી છે રાજકોટના ઉપલેટામાં.
ઉપલેટામાં સ્થાનિક પોલીસની ઢીલી નીતિથી ત્રસ્ત થઈને કારખાનેદારો દ્વારા જનતા રેડ કરી દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઉપલેટા શહેરના પોરબંદર નેશનલ હાઇવે પર આવેલ કારખાનેદારોએ જનતા રેડ કરીને દેશી દારૂ ઝડપી પાડયો હોવાનું સામે આવ્યું છે. પોરબંદર રોડ પર આવેલ ઈસરા પાટીયા પાસેના કારખાનેદારોએ એકત્ર થઈને દેશી દારૂના વેચાણ પર જનતા રેડ કરી હતી.
અહીંયા છેલ્લા ઘણા સમયથી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનું કારખાનેદારોએ જણાવ્યું છે. દારૂના વેચાણ અંગેની અનેક ફરિયાદ બાદ પોલીસ દ્વારા કોઈ એક્શન નહિ લેવાતા જનતા રેડ કરવામાં આવી હતી. જનતા રેડ કરી કારખાનેદારો દ્વારા દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસને જાણ કરતા અંતે પોલીસ દોડી આવી હતી. પોલીસ દ્વારા દારૂના જથ્થા સાથે બે ઈસમોને પકડી ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ સાથે લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જનતા રેડ બાદ કારખાનેદારો એકત્ર થઈને ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા. કારખાનેદારો દ્વારા દારૂના વેચાણને અને દૂષણને કાયમી બંધ કરાવવા લેખિત રજૂઆત કરી છે.