Rajkot Crime News: રાજકોટમાં થોડા દિવસ પહેલા થયેલી હત્યા વિથ લૂંટનો ભેદ ઉકેલાયો છે. રાજકોટ પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલીને આરોપીને ઝડપી લીધો હતો. રાજકોટમાં 14 ફેબ્રુઆરીના રોજ મહિલાની હત્યા કરાયેલી  લાશ તેના જ ઘરમાંથી મળી હતી. કૌટુંબિક ભત્રીજાએ જ કાકીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રેમિકાને રૂપિયાની જરૂર હોવાથી ભત્રીજાએ લૂંટ ચલાવી કાકીને મોતને ઘાટ ઉતારી હતી. મહિલાની હત્યા પતિએ કરી હોવાની ચર્ચાઓ વચ્ચે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા ભત્રીજાએ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. પોલીસે સીસીટીવી સહિત તપાસ હાથ ધરતા ભેદ ઉકેલાયો હતો. ઘટના બાદ ભત્રીજો પ્રેમ જેઠવા લાપતા થતા પોલીસને શંકા ઉપજી હતી. પોલીસે આરોપી ભત્રીજાને પોલીસે પ્રેમિકા સાથે બરોડાથી દબોચી લીધો હતો અને 2 લાખ 17 હજારનો મુદામાલ કબજે કર્યો હતો.


શું છે મામલો


જામનગર રોડ પર નવા કોર્ટ બિલ્ડિંગ પાછળ આવેલા શિવસાગર પાર્કમાં ગત બુધવારે હેમાલીબેન અલ્પેશભાઈ વરૂ (ઉ.વ.35)ની  તેના જ ઘરમાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી હતી. યુનિવર્સિટી પોલીસે ખૂનનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન પોલીસને એવી માહિતી મળી હતી કે, જે મહિલાની હત્યા થઈ છે તેના કૌટુંબિક ભત્રીજાએ જ આ કારસ્તાન કર્યું છે. પ્રેમિકાને ફરવા લઈ જવા માટે પૈસા ન હોવાથી બનાવના દિવસે લૂંટના ઈરાદે તે તેના કૌટુંબિક કાકીના મકાનમાં ઘૂસ્યો હતો. જો કે તેના કાકી જાગી જતા કાતરથી તેની હત્યા કરી રોકડ રકમ અને એક સોનાનો ચેઈન મળી કુલ 60,000ની મતાની લૂંટ કરી હતી. આરોપી શખ્સ તેની પ્રેમિકાને લઈને વડોદરા સુધી પહોંચી ગયો હતો જો કે ત્યાં તે પોલીસના સકંજામાં આબાદ સપડાઈ ગયો હતો.




ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા સ્થળ પર


ઘટના બની ત્યારે મામલાની જાણ થતા ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઈમ બ્રાન્ચ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ યુનિવર્સિટી પોલીસનો કાફલો તેમજ એસીપી બી.જે. ચૌધરી અને ડીસીપી સુધીર દેસાઈ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટના સ્થળે દોડી ગયેલા અધિકારીઓને લાશ પાસેથી એક કાતર મળી આવી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે ખસેડી હતી.