Amit Khunt suicide case: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રિબડા ગામમાં પાટીદાર સમાજના યુવક અમિત દામજી ખૂંટના આપઘાતનો મામલો અત્યંત ગરમાયો છે. અમિત ખૂંટે આપઘાત કરી લેતા તેના પરિવારજનો અને પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા રિબડાના સ્થાનિક રાજકીય વર્ચસ્વ ધરાવતા વ્યક્તિઓ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
દુષ્પ્રેરણની ફરિયાદ અને આરોપીઓ:
મૃતક અમિત દામજી ખૂંટના ભાઈ મનીષ દામજી ખૂંટ દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ૪ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા, તેમના પૌત્ર રાજદીપસિંહ જાડેજા તેમજ રિદ્ધિ પટેલ અને પૂજા રાજગોર નામની બે મહિલાઓ સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે અમિતને આપઘાત માટે દુષ્પ્રેરણ કરવા (આત્મહત્યા માટે પ્રેરવા)ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સગીરાના આક્ષેપ અને કાવતરાનો આરોપ:
પરિવારજનો અને અગ્રણીઓના જણાવ્યા મુજબ, અમિત ખૂંટ ઉપર તાજેતરમાં એક ૧૭ વર્ષીય સગીરા દ્વારા દુષ્કર્મ ગુજારવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને સગીરા આ આક્ષેપ સાથે રાજકોટ શહેરની જનાના હોસ્પિટલમાં દાખલ થઈ હતી. અમિતના કાકા જેન્તીભાઈ ખૂંટ સહિત પરિવારજનોનો સીધો આરોપ છે કે, આ સમગ્ર મામલો અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ દ્વારા રચવામાં આવેલું એક કાવતરું છે, જેમાં અમિતને છોકરીમાં ફસાવીને હેરાન કરવામાં આવ્યો હતો.
સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના નામ:
પોલીસને મૃતક અમિત ખૂંટના મૃતદેહ પાસેથી બે પાનાની એક સુસાઇડ નોટ મળી આવી છે, જે કેસમાં અત્યંત મહત્વપૂર્ણ પુરાવો છે. આ સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ (રિબડા) અને રાજદીપસિંહ (રિબડા) ના નામનો સ્પષ્ટ ઉલ્લેખ છે. સુસાઇડ નોટમાં અમિતે લખ્યું છે કે, અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ તેમજ ફરિયાદ કરનાર સગીરા દ્વારા બદનામ કરવા અને હેરાન કરવાના ત્રાસથી તે આત્મહત્યા કરી રહ્યો છે. સુસાઇડ નોટમાં 'અનુભાના દબાણથી ગળાફાંસો ખાવ છું' તેવો પણ ઉલ્લેખ છે, જે અનિરુદ્ધસિંહ તરફ ઇશારો કરે છે. ઉપરાંત, સગીરા અને રાજદીપના ત્રાસથી મરતો હોવાનું પણ નોટમાં લખ્યું છે. સુસાઇડ નોટમાં એક સગીરા સહિત ત્રણ અન્ય ત્રણ યુવાનોના નામનો પણ ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું છે.
રીબડામાં જમીન અને ચૂંટણીનો ખાર તેમજ જૂની ઘટનાઓ:
પાટીદાર અગ્રણી ગોવિંદ સગપરિયાએ નિવેદન આપ્યું કે, અમિતે થોડા દિવસ પહેલા જમીન વેચવાની સુથી લીધી હતી, પરંતુ બાદમાં આ વેચાણ કેન્સલ થયું. તેમણે આરોપ લગાવ્યો કે, રિબડામાં હજુ પણ જમીન વેચવી હોય તો અનિરુદ્ધસિંહને ભાગ આપવો પડે તેવી સ્થિતિ છે. ગોવિંદ સગપરિયાએ એમ પણ કહ્યું કે, ૨૦૨૨ની ચૂંટણીનો ખાર રાખીને પણ અમિતને હેરાન કરવામાં આવતો હતો. જેન્તીભાઈ ખૂંટ અને ગોવિંદ સગપરિયા બંનેએ કહ્યું કે, અગાઉ પણ રિબડામાં આવી ઘટનાઓ બની છે અને આ પ્રકારે ષડયંત્ર રચીને યુવકોના મોત થયા છે.
પરિવાર મૃતદેહ સ્વીકારવા ઇનકાર, તાત્કાલિક ધરપકડની માંગ:
અમિત ખૂંટના કાકા જેન્તીભાઈ ખૂંટે સ્પષ્ટ જણાવ્યું છે કે, જ્યાં સુધી ફરિયાદમાં નોંધાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. પાટીદાર અગ્રણી ગોવિંદ સગપરિયાએ અન્ય પાટીદાર અગ્રણીઓ જેવા કે અલ્પેશ કથીરીયા, જીગીશા પટેલ અને મેહુલ બોધરા સહિતની ટીમને મદદ માટે આવવા અપીલ કરી છે. તેમણે સમાજના આગેવાનોને રિબડાના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે આગળ આવવા જણાવ્યું છે.
પોલીસ દ્વારા સુસાઇડ નોટ અને અન્ય પુરાવા કબ્જે કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક અમિત ખૂંટના મૃતદેહનું ફોરેન્સિક PM કરવામાં આવશે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને ગોવિંદ સગપરિયા PM રૂમ ખાતે પહોંચ્યા હતા.