ગોંડલ: ગણેશ જાડેજા-અલ્પેશ કથીરિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વાક્યુદ્ધના કારણએ ગોંડલનું રાજકારણ ગરમાયું છે. આજે અલ્પેશ કથિરિયા સહિતના પાટીદાર આગેવાનો ગોંડલ પહોંચ્યા છે. અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવીયા અને જીગીશા પટેલ આશાપુરા મંદિર ખાતે દર્શન કર્યા હતા. આ સાથે તેમના કાફલાની કારના કાચ તોડવામાં આવ્યા હતા. અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચતા માહોલ ગરમાઈ ગયો છે. અલ્પેશ સમર્થકો અને વિરોધ દર્શાવતા લોકો સામસામે આવી ગયા હતા. અલ્પેશની કાર આવતા જ જોરદાર વિરોધ દર્શાવાયો હતો. ગોંડલમાં ઠેક ઠેકાણે અલ્પેશ કથીરિયાનો વિરોધ કરાયો હતો. અલ્પેશ કથિરિયાએ ફરી ગોંડલને મિર્ઝાપુર ગણાવ્યું છે. અલ્પેશે કહ્યું કે, ગોંડલ મિર્ઝાપુર છે તે સાબિત થઈ ગયું છે. અમારી કાર પર પથ્થરમારો કરાયો હતો. આજે તેઓ બૌખલાઈ ગયા છે, ભયમાં છે. મારી એક જ વાત છે, કોઈને દબાવી પોતાનુ શાસન ન કરવુ જોઈએ.
અલ્પેશ કથિરિયાનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો
કોઈ અણબનાવ ન બને તે માટે ગોંડલ પોલીસ દ્વારા અલ્પેશ કથીરિયાનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જયરાજસિંહના બંગલાની આગળ સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ઘર્ષણ ન થાય તે માટે અલ્પેશ કથીરિયાનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
ગોંડલમાં રાજકીય રીતે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અલ્પેશ કથિરીયાને તેના સમર્થકોએ આવકાર્યા છે તો બીજી તરફ ગણેશ જાડેજાના સમર્થકો અલ્પેશ કથિરીયાનો વિરોધ કરી રહ્યા છે. કાળા વાવટા ફરકારવી કથીરિયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ગોંડલની જનતાએ અલ્પેશ કથિરિયા ને જવાબ આપી દીધો
ગણેશ જાડેજાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ગોંડલની જનતાએ અલ્પેશ કથીરિયાને જવાબ આપી દીધો છે. ડર કે બંદૂકની અણીએ આટલા બધા લોકો ભેગા ન થઈ શકે. ગોંડલમાં કોઈ ડરનો માહોલ નથી મારા ઘરની બહાર 3000 લોકોનો મેળાવડો છે. ગીતા બા જાડેજા અને ગણેશ જાડેજાના બંગલાની બહાર લોકોએ અલ્પેશ કથીરિયા વિરુદ્ધ ભારે સૂત્રોચાર કર્યા છે.
દરેક સમાજના રાજકીય આગેવાનો જયરાજસિંહના ઘરે પહોંચ્યા
જયરાજસિંહ જાડેજાના ઘરે ગોંડલના રાજકીય અગ્રણીઓ પહોંચ્યા છે. દરેક સમાજના રાજકીય આગેવાનો જયરાજસિંહના ઘરે પહોંચ્યા છે. પાટીદાર તથા અન્ય સમાજના અગ્રણીઓ જયરાજ સિંહના બંગલે પહોંચ્યા છે. ભાજપ તથા સહકારી અગ્રણીઓ હાઈ પ્રોફાઈલ ડ્રામા વચ્ચે જયરાજસિંહના ઘરે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. સહકારી આગેવાન મગનભાઈ ઘોણીયા, કનકસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત છે.