રાજકોટ: સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર એક ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. ભાદર એક ડેમમાં હાલ પુષ્કળ પાણીના પ્રવાહની આવક થઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભાદર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં રાજકોટ ,ગોંડલ, જેતપુર પંથકના લોકોને પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે. ડેમના તમામ 29 દરવાજા 5 ફૂટ ખોલાયા છે. ડેમમાં 100125 કયુસેક પ્રવાહની આવક સામે 43700 કયુસેક પ્રવાહની જાવક થઈ છે. ભાદર એક ડેમ ખેડૂતોની જીવાદોરી સમાન છે. ડેમ ઓવરફ્લો થતાં લોકો ડેમ સાઈટ ઉપર નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં કમઢીયા અને શ્રીનાથગઢ રોડ બંધ કરવામાં આવ્યો છે. ભાદર નદીના પાણી રોડ પર આવી જતા રસ્તો બંધ થયો છે. ગોંડલ નજીક આવેલા પાંચયાવદર ગામે પણ રસ્તા પર પાણી ફરી વળ્યા છે.
ઉપરવાસમાં ભારે પડેલા વરસાદના કારણે ભાદર 1 નાં દરવાજા ખોલવામાં આવ્યા છે. ભાદર-1 ડેમના 8 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. ભાદર ડેમ નીચે આવતા જેતપુરના- 12, ગોંડલના-5, જામકંડોરણાના -2 ધોરાજીના- 3 સહિતના તાલુકાના કુલ 22 ગામોના લોકોને નદીના પટમાં ન જવા અને સાવચેતી રાખવા અપાઈ સૂચના આપવામાં આવી છે.
ઓરેન્જ એલર્ટ વાળા રાજકોટમાં સવારથી વરસાદી માહોલ
ગુજરાતમાં આજે પણ હવામાન વિભાગ દ્વારા કેટલાક સ્થળો માટે વરસાદી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, હવામાન વિભાગ દ્વારા આજે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં છે, અને આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.
રવિવારે સવારે રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે, રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા કેટલાય ગામડાઓમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. સરધાર, ખારચિયા, બાડમેર, ભુપગઢ, રાજ સમઢીયાળા, હલેન્ડા અને વીરનગર સહિતના ગામડાઓમાં વરસાદે તોફાની એન્ટ્રી કરી છે. વરસાદના કારણે અનેક ગામોમાં રસ્તાંઓ ધોવાયા છે, અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ પેદા થઇ ગઇ છે. આ ઉપરાંત વરસાદી પાણી અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી સરધાર અને આટકોટ વચ્ચે આવેલી નદીઓ બે કાંઠે થઇ ગઇ છે. રાજસમઢીયાળા પાસે આવેલા ખારચિયાં ગામમાં પાણી ઘુસતા લોકો પહેલા માળે પહોંચ્યા હતા. રાજકોટ તથા જસદણ તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદની ફરી એન્ટ્રી થઇ છે.