રાજકોટઃ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરે એક મોટો નિર્ણય લઈને શહેરના જંગલેશ્વર વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાત સરકારે જાહેર કરેલી યાદી પ્રમાણ રાજકોટ શહેરમાં કુલ ત્રણ કન્ટેનમેન્ટ ઝોન હતા. આ પૈકી એક વિસ્તારને પહેલાં જ કન્ટેનમેન્ટ ઝોનમાંથી બહાર મૂકી દેવાયો છે. હવે જંગલેશ્વર વિસ્તારને પણ કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી બહાર મૂકી દેવાતાં માત્ર એક જ વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં રહ્યો છે. ગુજરાત સરકારના નિર્ણયના કારણે જંગલેશ્વર વિસ્તારના 27 હજાર લોકો અત્યાર સુધી કન્ટેનમેન્ટ ઝોનમાં હતા અને તેમને હવે મુક્તિ મળી છે.

મહત્વની વાત એ છે કે, આ વિસ્તારમાં ગુજરાતનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો અને કોરોનાના પ્રથમ કેસના કારણે જંગલેશ્વર સતત ચર્ચામાં રહ્યું હતું. હવે રાજકોટ શહેરમાંથી  માત્ર અંકુર સોસાયટીના 2300 લોકો જ કન્ટેનમેન્ટ ઝોન હેઠળ રહ્યા છે.