Mayor of Rajkot: રાજકોટ શહેરના નવા મેયરના નામની જાહેરાત થઈ ગઈ છે. નયનાબેન પેઢડીયા રાજકોટ શહેરના નવા મેયર બન્યા છે તો નરેન્દ્રસિંહ જાડેજા રાજકોટ શહેરના નવા ડેપ્યુટી મેયર બન્યા છે. આ સિવાય મનપાના અન્ય પદાધિકારીઓની વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરના નામની જાહેરાત કરવામાં આવી હતી સાથે જ લીલુ જાદવ રાજકોટ મનપામાં શાસક પક્ષના નેતા બન્યા છે.
ભાવનગરના નવા મેયરના નામની જાહેરાત
ભરતભાઈ બારડ ભાવનગર શહેરના નવા મેયર બન્યા હતા. તે સિવાય મોનાબેન પારેખને ભાવનગર શહેરના નવા ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા હતા. ભાવનગર મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુભાઈની વરણી કરવામાં આવી હતી. તે સિવાય કિશોરભાઈ ભાવનગર મનપામાં શાસક પક્ષના નેતા બન્યા હતા.
વડોદરા-અમદાવાદના નવા મેયર
વડોદરા અને અમદાવાદ શહેરના નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી હતી. વડોદરા શહેરના નવા મેયર પિંકીબેન સોની બન્યા હતા. વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શિતલ મિસ્ત્રી બન્યા હતા. જ્યારે શહેરના નવા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ બન્યા હતા. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા વડોદરા મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. પિંકીબેન સોની વડોદરાના 61મા અને ચોથા મહિલા મેયર બન્યા છે. તેઓએ 2016-17 માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 2018 માં મહિલા મોરચાના મહામંત્રી બન્યા હતા. બાદમાં સંગઠન પર્વના ડેપ્યુટી ઇન્ચાર્જ બન્યા હતા. 2020-21 માં વોર્ડ 4 માં નગરસેવક માટે ટિકિટ મળી હતી. 2023માં તેઓની મેયર માટે પસંદગી કરવામાં આવી હતી. તેમણે એમ.એસ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. વડોદરામાં મનોજ પટેલ શાસક પક્ષના નેતા બન્યા હતા.
પ્રતિભા જૈન અમદાવાદ શહેરના નવા મેયર બન્યા હતા. અમદાવાદ શહેરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી બન્યા હતા. તે સિવાય અમદાવાદ શહેરના નવા ડેપ્યુટી મેયર જતીન પટેલ બન્યા હતા. ગૌરાંગ પ્રજાપતિ અમદાવાદમાં શાસક પક્ષના નેતા બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતની ટર્મ પૂર્ણ થઈ છે. તેમની જગ્યાએ નો રિપીટ થિયરી અંતર્ગત હવે આ ત્રણ નવા નામની જાહેરાત કરવામાં આવી હતી.