રાજકોટ: જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાત પ્રકરણમાં કોળી સમાજના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી સનસનીખેજ આરોપો લગાવ્યા હતા. આ  સાથે જ ઘટના પહેલાની ચેટ તેમજ વિડિયો જાહેર કર્યા છે. જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ દયા સરીયાના આપઘાતના બનાવમાં ત્રણ પોલીસ કોન્સ્ટેબલના ત્રાસને કારણે આપઘાત કર્યો હોવાનું તેમના પિતાના નિવેદન બાદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ પરિવાર સાથે બેઠક કરી તટસ્થ તપાસ માટે સૂચના આપી હતી. ત્યાર બાદ  અનેક રજૂઆતો તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહીના થતાં કોળી સમાજના આગેવાનોએ પત્રકાર પરિષદ કરી હતી. 




જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દયાબેન શંભુભાઈ સરીયા નામના મહિલા કોન્સ્ટેબલના આપઘાતના બનાવમાં તેમના પિતાએ ત્રણ સાથી કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો હતો. તેમજ બે દિવસ પહેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સાથે પણ વાતચીત કરી હતી.  પોલીસને કડક સુચના પણ આપવામાં આવી હતી તેમ છતાં  6 દિવસ થયા હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા કોળી સમાજના ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોર, હિતેશ ઠાકોર તેમજ આશિષ મકવાણા તેમજ અન્ય આગેવાનોએ જેતપુર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. 


આ પત્રકાર પરિષદમાં આગેવાનોએ જણાવ્યું હતુ કે,  પોલીસે આપઘાતની વાત પણ છુપાવી હતી. પોલીસની તપાસ બાબતે શંકા પ્રેરે છે.  થોડા દિવસ પૂર્વે દયાબેનને બસ સ્ટેન્ડમાં જાહેરમાં એક પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝઘડો થતા તેણીએ 100 નંબર પર કોલ કરી પોલીસ બોલાવેલ હતી. તેમને ત્રણ પોલીસ કોન્સ્ટેબલનો એટલો ત્રાસ હતો કે તેઓ ડિપ્રેશનનો શિકાર બની ગયા હતા. તેમણે આપઘાત કરતા પહેલા કોન્સ્ટેબલો સાથે ચેટ કરી અને આપઘાત કરવા માટે છત સાથે ચૂંદડીનો ગાળિયો બનાવ્યો હતો તેના ફોટા પણ મોકલી પોતે આપઘાત કરવા જઈ રહ્યા છે તેની ત્રણ કોન્સ્ટેબલને જાણ કરી હોવાની ચેટ તેમજ વિડિયો મીડિયાને આપ્યા હતા.




 
વધુમાં જણાવાયું કે,  પરિવારજનો અને જ્ઞાતિ આગેવાનો સાથે એસપી તેમજ જેતપુર પોલીસને ત્રણ પોલીસ કોન્સ્ટેબલના ત્રાસને કારણે દયાબેને આપઘાત કર્યો હોવાનું આવેદનપત્ર આપ્યું છે.  તેમજ દયાબેન કોળી જ્ઞાતિના હોય અને જસદણના શિવરાજપુર ગામના વતની હોવાથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પણ સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજના આગેવાનો દયાબેનના પિતાની હાજરીમાં એક બેઠક યોજી હતી.  ત્યાર બાદ પણ કોઈ કાર્યવાહી ના થતા પોલીસ પર પણ આક્ષેપો ઉઠાવવામાં આવી રહ્યા છે. પોલીસ સમગ્ર મામલે ભીનું સંકેલવાના પ્રયત્નો કરતા હોવાના પણ આક્ષેપો ઉઠ્યા  છે. આગેવાનોએ 24 કલાકનું પોલીસને અલ્ટીમેટમ આપ્યું છે.  જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહી આવે તો તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર તેમજ ઉપવાસ પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી છે. સોમવારે રાત્રે આઠ વાગ્યે મૌન રેલી પણ યોજાવવાની છે.