Rajkot: રાજકોટમાં ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારનો મોટો પર્દાફાશ થયો હતો. ફાયર અધિકારીએ સાંસદને પણ ન છોડ્યા હોવાનો ખુલાસો થયો છે. ભાજપના સાંસદે ફાયર એનઓસી માટે ફાયર ઓફિસરને 70 હજાર રૂપિયા આપ્યા હોવાનો દાવો કર્યો હતો. ભાજપ સાંસદ રામ મોકરીયા રૂપિયા આપવા મજબૂર થયાનો ધડાકો કર્યો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે ફાયર NOC માટે તેમણે ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાને 70 હજાર રૂપિયા આપ્યા હતા. રામ મોકરીયાએ કહ્યું કે બિઝનેસમેન હતો ત્યારે 70 હજાર રૂપિયા આપ્યા હતા. સાંસદ બનતા અધિકારી પાસેથી રૂપિયા પરત લીધા હતા.


ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાની હાલમાં ક્રાઈમ બ્રાન્ચમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. રામભાઈ મોકરિયાએ મીડિયા સાથે હાલમાં વાત કરવાની ના પાડી પરંતુ કહ્યું હા મારી પાસેથી રૂપિયા લીધા હતા.રામભાઈ મોકરીયા માત્ર બિઝનેસમેન હતા ત્યારે 150 ફૂટ રીંગ રોડ પર બાંધકામ માટેના ફાયર એનઓસી માટે લેવા માટે 70 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. બાદમાં રામભાઈ મોકરીયા સાંસદ બન્યા ત્યારે ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા પાસેથી 70 હજાર રૂપિયા મંગાવ્યા હતા. ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાએ કવરમાં 70 હજાર નાખી રામભાઈ મોકરીયાને પરત આપ્યાનો દાવો છે.


બિભત્સ શબ્દો બોલતા રામ મોકરીયાનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ


ભાજપના સાંસદ રામ મોકરીયા મીડિયાના સવાલ પર બિભત્સ શબ્દો બોલતા હોય તેવો વીડિયો  વાયરલ થઇ રહ્યો છે. મોકરીયાએ સાંસદ પદની ગરીમાને લજવી હતી. મીડિયાના સવાલ રામ મોકરીયા અકળાયા હતા અને જાહેરમાં અશ્લિલ ચેષ્ટા કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. ગઈકાલે પત્રકારોએ રામભાઈને તીખા સવાલો કરતા ચાલતી પકડી હતી.


અધિકારીઓની કરાશે પૂછપરછ


રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ઉચ્ચ અધિકારીઓની સીટ દ્ધારા પૂછપરછ કરાશે. અધિકારીઓના તબક્કાવાર નિવેદન લેવાશે. આજે IAS, IPS અધિકારીઓના નિવેદન લેવાશે. તત્કાલિન મનપા કમિશ્નર આનંદ પટેલ, તત્કાલિન પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવનું પણ નિવેદન લેવાશે. વિધિ ચૌધરી સહિતના અધિકારીઓના નિવેદન લેવાશે. SIT વડા સુભાષ ત્રિવેદી અધિકારીઓની પૂછપરછ કરશે. ગાંધીનગર પોલીસ ભવનમાં તમામ અધિકારીઓની પૂછપરછ કરાશે. 2021થી 2024 સુધી ફરજ બજાવી ચૂકેલા અધિકારીઓના નિવેદન લેવાશે.


રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં પ્રશાસનની કામગીરી


રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં ફાયર વિભાગે બે દિવસમાં 12 હોસ્પિટલ સીલ કરી હતી. ફાયર અને અન્ય ક્ષતિઓને ધ્યાનમાં રાખી હોસ્પિટલો સિલ કરવામાં આવી છે. વારંવાર નોટિસ આપવા છતાં ફાયરના સાધનો ઉપલબ્ધ ના કરવામાં આવતા કાર્યવાહી કરાઇ હતી. હાલમાં જે હોસ્પિટલમાં દર્દીઓ હોય તેવા વોર્ડ સિલ નથી મારવામાં આવ્યા. અન્ય વોર્ડ ખાલી હોય તેને સિલ મારવામાં આવ્યા છે. જે હૉસ્પિટલોને સીલ મારવામાં આવ્યા તેમાં છે કે.પી.સંઘવી. હોસ્પિટલ, શ્રી સાંઈ ઓથોપેડિક હોસ્પિટલ,શ્રી સાંઈ આશિષ ઈ.એન.ટી.એન્ડ જનરલ સર્જીકલ હોસ્પિટલ, સાંઈપુજા હોસ્પિટલ, કામ્બલે સર્જીકલ હોસ્પિટલ, મોબિન ડે. કેર. સર્જીકલ હોસ્પિટલ, શ્રીનાથજી કેન્સર હોસ્પિટલ, સ્મોલ હોસ્પિટલ, રેલીશ ઓર્થોપેડિક હોસ્પિટલ, બુરહાની હોસ્પિટલ અને રેમ્બો ચિલ્ડ્રન હોસ્પિટલનો સમાવેશ થાય છે.