Rajkot News: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનું પદ જોખમમાં હોવાની વાત સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા કાયમી અને ઇન્ચાર્જ ડીનની યાદી મંગાવવામાં આવી છે. આગામી કોઈપણ સમયમાં નવા ઇન્ચાર્જ કુલપતિની જાહેરાત થઇ શકે છે. જેમાં નીલામ્બરીબેન દવે, સંજય ભાયાણી, મયુરસિંહ જાડેજા, દેવાંગ પારેખ અને આર કે દવેના નામ મોકલાયા છે. યુનિવર્સિટીમાં વિવાદોની હારમાળા યથાવત રહેતા ઇન્ચાર્જ કુલપતિને તાત્કાલિક હટાવવાનો નિર્ણય થઇ શકે છે.
11 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને મળશે 25 હજાર રુપિયા
ગાંધીનગર: ગુજરાત સરકારે જ્ઞાન સાધના સ્કોલરશીપ જાહેર કરી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપની યોજના જાહેર કરવામાં આવી છે. વર્ષે 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. ધો.9 અને 10ના અભ્યાસ માટે વાર્ષિક રૂ. 20,000 મળશે. ધો.11 અને 12ના અભ્યાસ માટે વાર્ષિક રુપિયા 25000ની સ્કોલરશીપ અપાશે. ધો. 1થી8ના વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ યોજનાનો લાભ મળશે.
શરદ પનોતના લેપટોપમાંથી મળ્યા ચોંકાવનારા ડોક્યુમેન્ટ
ભાવનગર: શહેરમાં બહાર આવેલા વ્યાપક ડમીકાંડના તાર હવે અન્ય જિલ્લાઓમાં પણ પહોંચ્યા છે. ડમીકાંડના મુખ્ય આરોપી શરદ પનોતના લેપટોપમાંથી વર્ષ 2022માં લેવાયેલી બિન સચિવાલય કલાર્ક અને હેડ કલાર્કની પરીક્ષાના કેટલાક ઉમેદવારોની હોલ ટીકીટ, ફોટા અને અન્ય ડોક્યુમેન્ટ મળ્યા છે. આ ઉમેદવારોમાં અમરેલીના જેસંગપરાના 3 ઉમેદવારની વિગતો અને બનાસકાંઠાના દાંતીવાડાના 1 ઉમેદવારની માહિતી મળી છે. માહિતી ચકાસવા ભાવનગર પોલીસે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી અસલ ડોક્યુમેન્ટ મેળવ્યા છે. પરિણામે હવે એ ખુલાસો થયો છે કે, વ્યાપક ડમીકાંડના તાર ભાવનગર સિવાય અમરેલી અને બનાસકાંઠા જિલ્લા સુધી પહોંચ્યા છે.
તાપીમાં ભાજપના પોસ્ટર લગાવી રહેલા ઈસમોને માર મારવામાં આવ્યો
તાપી: વ્યારા તાલુકાના કરંજવેલ ગામે ભાજપના પોસ્ટર લગાવતા ઈસમોને માર મારવામાં આવ્યો છે. માર મારવાના મામલે વ્યારા તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખ રાહુલ ગામીત વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના પોસ્ટર ફાડવા અને સરકારી નુકશાન થવાની સંભાવના અને ૫ વ્યક્તિને માર મારવા તેમજ અને ધાકધમકી આપવાનો ગુનો રાહુલ ગામીત સામે દાખલ થયો છે. આરોપીએ ભાજપના પોસ્ટર પણ સળગાવ્યા હતા.
રાજકોટમાં ટ્રાવેલ્સે બાઈકને ટક્કર મારતા 12 વર્ષના કિશોરનું કરુણ મોત
રાજકોટ: શહેરમાં અકસ્માતની એક ગોજારી ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી ટ્રાવેલ્સની અડફેટે કિશોરનું મોત થયું છે. રાજકોટના ઇન્દિરા સર્કલ ઓવરબ્રિજ પર ધનવિર ટ્રાવેલ્સની અડફેટે 12 વર્ષના કિશોરનું મોત થતા અરેરાટી મચી ગઈ છે. મૃતકનું નામ ઉદયરાજસિંહ વિરલસિંહ ચુડાસમાં છે. ઉદયરાજ પોતાના કાકા અને કાકી સાથે સ્પ્લેન્ડર બાઈક પર જતો હતો ત્યારે અકસ્માત થયો. બાઈક પર પાછળ બેસેલા ઉદયરાજનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. ધનવીર ટ્રાવેલ્સના ચાલકે સ્પ્લેન્ડર ચાલકને અડફેટે લેતા કિશોરનું મૃત્યુ થયું. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાવેલ્સને લાવવામાં આવી છે.