રાજકોટ: રાજ્યના મોટા શહેરોમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યાઓ વધતી જાય છે ત્યારે રાજકોટ શહેરના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે રાજકોટ પોલીસ કમિશનરે 150 ફૂટ રીંગ રોડ ઉપર માધાપર ચોકડીથી પુનિતના પાણીના ટાંકા સુધી ખાનગી લકઝરી બસ ઉપર પ્રવેશ બંધ મુક્યો હતો. જોકે આ જાહેરનામામાં હવે રાજકોટ પોલીસ કમિશ્નરે ફેરફાર કર્યો છે.
રાજકોટ પોલીસ કમિશ્નરે 150 ફૂટ રોડને લઈ બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં ફેરફાર કરતાં સ્કૂલ, કોલેજની બસોને 24 કલાક મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં ઇન્ડસ્ટ્રીયલ બસ અને લક્ઝરી બસોને બપોરે 2 થી સાંજના 5 વાગ્યા સુધી મુક્તિ આપવામાં આવી છે. અગાઉ બહાર પાડવામાં આવેલ જાહેરનામાં અંતર્ગત સવારના આઠ વાગ્યાથી લઈ નવ વાગ્યા સુધી 150 ફૂટ રોડ પર લક્ઝરી સહિતની બસોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પ્રતિબંધ લગાવવામાં આવતા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધ અને રજૂઆતને પગલે સીપી દ્વારા જાહેરનામા અંતર્ગત છૂટછાટ આપી છે.
આ પહેલા પોલીસ કમિશનરના જાહેરનામાનો ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ખાનગી ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખે કહ્યું હતું કે, રીંગરોડ પર બસોને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેનાથી સૌથી વધુ મુસાફરો પરેશાન થવાના છે. સ્થાનિક મુસાફરોને અન્ય શહેરોમાં જવા માટે રિક્ષાભાડાના ખર્ચ પાછળ વધારે રૂપિયા ચૂકવવા પડશે. પાંચ કે સાત વર્ષ પહેલા અમે 150 ફૂટ રીંગ રોડ પર ઓફીસો ચાલુ કરી હતી.
આ પહેલા રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાઈવેટ લક્ઝરી બસો પ્રવેશ બંધનું જાહેરનામું અમલમાં છે પરંતુ વધતા જતા ટ્રાફિકના કારણે જાહેરમાર્ગો ઉપર ટ્રાફિકની ગીચતા થાય છે અને શહેરમાં વધતી જતી ભારે વાહનોની અવરજવરથી રાજકોટ શહેરના રસ્તાઓ સાંકડા થઈ જાય છે અને રસ્તા ઉપર ટ્રાફિકને સમસ્યા નડે છે. તેમજ માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી 150 ફુટ રીંગ રોડ ઉપર ટ્રાવેલ્સની ઓફિસો આવેલ છે અને 150 ફુટ રીંગ રોડ પર ટ્રાફિકની સમસ્યા વધુ રહેતી હોય, ટ્રાફિક વ્યવસ્થામાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ગંભીર અકસ્માતો થવાની સંભાવના પણ વધી જાય છે. વર્ષ 2015માં જે જાહેરનામું અમલમાં મુકવામાં આવેલ ત્યારે ગોંડલ ચોકડીથી, માધાપર ચોકડી સુધી ટ્રાફિક નહીવત હતો અને આ ચોકડીઓ શહેરની બહાર પડતી હતી જે હવે શહેરની અંદરના વિસ્તારમાં આવી ગયેલ છે. આ ચોકડીઓથી રાત્રીના મોડે સુધી સીટી બસ તેમજ બીઆરટીએસની બસ થોડા થોડા સમયે સેવાઓ ઉપલબ્ધ હોય અને રાજકોટ શહેર તરફથી અન્ય શહેર તરફ જતા પેસેન્જરોને પીકઅપ કરવા ટ્રાફિકને અડચણરુપ ખાનગી લક્ઝરી બસો 150 ફુટ રીંગ રોડ પર પાર્ક કરતા હોય છે. જેથી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ટ્રાફિક સુચારુ અને સલામત રીતે ચાલે તે હેતુસર રાજકોટ શહેરમાં મોટી પ્રાઈવેટ લક્ઝરી બસો ઉપર 150 ફુટ રીંગ રોડ માધાપર ચોકડીથી પુનીત પાણીના ટાંકા સુધી પ્રતિબંધ મુકવાની જરુરીયાત જણાય છે.