રાજકોટ:  રાજકોટ જિલ્લાના ગોંડલમાં આજે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. અલ્પેશ કથિરીયા આજે ગોંડલ પહોંચ્યા હતા. જ્યાં ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા તેમનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. હવે આ સમગ્ર ગોંડલ વિવાદને લઈ કૉંગ્રેસના નેતા મનહર પટેલે પોતાનું નિવેદન આપ્યું છે. મનહર પટેલે કહ્યું,  ગોંડલનો હાઈ વોલ્ટેજ ડ્રામા ભાજપની અંદરો અંદરની લડાઈ છે.  આ લડાઈ ગોંડલની પ્રજા,  મત નહીં પરંતુ ગોંડલની રાજકીય જમીન માટેની છે. 

મનહર પટેલે કહ્યું,  ભાજપના નેતાઓ અને પોલીસ પ્રશાસન મુક પ્રેક્ષક બનીને તમાશો જોવે છે. ભાજપ પાસે કંઈ ના હોય એટલે કોંગ્રેસ પર આક્ષેપ કરે.  2027ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે બંને તરફથી આ નાટકો થઈ રહ્યા છે.

અલ્પેશ કથિરિયાએ ફરી ગોંડલને મિર્ઝાપુર ગણાવ્યું

અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચતા માહોલ ગરમાઈ ગયો છે. અલ્પેશ સમર્થકો અને વિરોધ દર્શાવતા લોકો સામસામે આવી ગયા હતા. અલ્પેશની કાર આવતા જ જોરદાર વિરોધ દર્શાવાયો હતો. ગોંડલમાં ઠેક ઠેકાણે અલ્પેશ કથીરિયાનો વિરોધ કરાયો હતો. અલ્પેશ કથિરિયાએ ફરી ગોંડલને મિર્ઝાપુર ગણાવ્યું છે. અલ્પેશે કહ્યું કે, ગોંડલ મિર્ઝાપુર છે તે સાબિત થઈ ગયું છે. અમારી કાર પર પથ્થરમારો કરાયો હતો. આજે તેઓ બૌખલાઈ ગયા છે, ભયમાં છે. મારી એક જ વાત છે, કોઈને દબાવી પોતાનુ શાસન ન કરવુ જોઈએ. 

અલ્પેશ કથિરિયાનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો

કોઈ અણબનાવ ન બને તે માટે ગોંડલ પોલીસ દ્વારા અલ્પેશ કથીરિયાનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જયરાજસિંહના બંગલાની આગળ સમર્થકોનો  જમાવડો જોવા મળી રહ્યો છે.  ઘર્ષણ ન થાય તે માટે અલ્પેશ કથીરિયાનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. 

ગોંડલમાં રાજકીય રીતે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અલ્પેશ કથિરીયાને તેના સમર્થકોએ આવકાર્યા છે તો બીજી તરફ ગણેશ જાડેજાના સમર્થકો અલ્પેશ કથિરીયાનો વિરોધ કરી રહ્યા છે. કાળા વાવટા ફરકારવી કથીરિયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ગોંડલની જનતાએ અલ્પેશ કથિરિયા ને જવાબ આપી દીધો

ગણેશ જાડેજાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ગોંડલની જનતાએ અલ્પેશ કથીરિયાને જવાબ આપી દીધો છે. ડર કે બંદૂકની અણીએ આટલા બધા લોકો ભેગા ન થઈ શકે. ગોંડલમાં કોઈ ડરનો માહોલ નથી મારા ઘરની બહાર 3000 લોકોનો મેળાવડો છે. ગીતા બા જાડેજા અને ગણેશ જાડેજાના બંગલાની બહાર લોકોએ અલ્પેશ કથીરિયા વિરુદ્ધ ભારે સૂત્રોચાર કર્યા છે.