સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસમાં  ભારે વરસાદ વરસ્યો હતો. રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોના ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે ધોરાજી,ઉપલેટામાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે. ધોરાજી અને ઉપલેટા તાલુકામાં છેલ્લા એક મહિનામાં 117 ટકા વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી કપાસ, સોયાબીન, મગફળી અને તુવેરના પાકો લગભગ 70 ટકા બળી ગયા છે. સરકાર સંવેદના દાખવી યોગ્ય સર્વે કરી મદદરૂપ થાય તેવી વસોયાએ અપીલ કરી હતી.


 લલીત વસોયાએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે રાજ્ય સરકારને વિનંતી છે કે ધોરાજી ઉપલેટા વિસ્તારમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે. છેલ્લા એક મહિનાથી સતત વરસાદ વરસી રહી છે. જેના કારણે પાક બળી ગયો છે.  ખેડૂતો નવુ વાવેતર પણ કરી શકતા નથી. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. રાજ્ય સરકારે થોડીક સંવેદના દાખવી જોઈએ અને સર્વે કરાવીને ખેડૂતોને મદદરૂપ થવુ જોઈએ.


બીજી તરફ જામનગરમાં ખાતરનો પૂરતો જથ્થો ન મળતા સતત બીજા દિવસે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે. ખેડૂતોના રોષ પારખી ગયેલા સંચાલકોએ પોલીસને જાણ કરવાની ફરજ પડી હતી. પોલીસે આવી સ્થિતિ થાળે પાડી હતી. લાલપુર બાયપાસ નજીક કૃષિ કેન્દ્રના સંચાલકોએ દાવો કર્યો કે એક જ ગાડી યુરિયા ખાતરનો જથ્થો આવ્યો છે. આ જથ્થો ખેડૂતોને સરખા હિસ્સે વહેંચવામાં આવે છે.


તો ત્રણ દિવસ પૂર્વે મોરબીમાં પણ ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. અહીં પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો કે સવારે 3 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવા છતા પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો મળતો નથી.


યુરિયા ખાતર અને અતિવૃષ્ટિને લઈ ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી, કૃષિમંત્રીને પત્ર લખ્યો છે.પત્રમાં લખવામાં આવ્યું છે કે, કૃષિમંત્રી કહે છે કે યુરિયાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તો યુરિયા કોણ ખાઈ ગયું ?કૃષિમંત્રીએ અભ્યાસ કરીને નિવેદન આપવું જોઈએ. રાજ્યમાં તાત્કાલિક યુરિયા ખાતર ખેડૂતોને પૂરું પાડવામાં આવે. શુ સરકારે કેમિકલ ઉદ્યોગમાં સરકારે યુરિયા ખાતર આપી દીધું છે ?? ઉદ્યોગપતિઓને સરકારે પહેલા સરકારી ખરાબાઓ અને ગૌચર આપ્યા, પછી સસ્તા વ્યાજદરે ઉદ્યોગપતિઓને લોન આપી, હવે કેમિકલ ઉધોગમાં સરકારે યુરિયા આપી દે છે કે શું ?