રાજકોટઃ તાજેતરમાં જ યોજાયેલી ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. રાજકોટ જિલ્લાની પડધરી તાલુકા પંચાયતમાં આજે સુકાની માટે ઉમેદવારી કરવાની છે. જોકે, ભાજપ માટે જીતેલી બાજી હારી ગયા જેવી સ્થિતિ ઉભી થઈ છે. 


પડધરી તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી 11 પર ભાજપ, ચાર કોંગ્રેસ અને એક બેઠક આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે. આ તાલુકા પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી હોવા છતાં પ્રથમ અઢી વર્ષ માટે અનુ. મહિલાને પ્રમુખ બનાવવા હોય અને ભાજપ પાસે આ કેટેગરીમાં કોઈ મહિલા ચૂંટાયા ન હોવાથી કોંગ્રેસના વિજેતા પ્રમુખ બનશે. 


કોંગ્રેસમાંથી હડમતીયા બેઠક પરથી દક્ષાબેન પ્રવિણભાઈ ચૌહાણ અનુ. કેટેગરીમાંતી ચૂંટાયા છે. ચૂંટણીપંછના નિયમ પ્રમાણે પ્રમુખ પદ માટે કોંગ્રેસમાંતી ચૂંટાયેલા આ મહિલા સભ્ય પ્રમુખ પદ માટે ઉમેદવારી કરશે. જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપના સભ્ય ઉમેદવારી નોંધાવશે. આ માટેની 16મી માર્ચે પ્રક્રિયા કરાશે તેમજ 17મીએ ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બેઠકમાં વિધિવત પ્રમુખ પદે કોંગ્રેસના સભ્ય ચૂંટાશે.