રાજકોટ:  ઉપલેટામાં કૉંગ્રેસ દ્વારા રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નોને લઈ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. ખેડૂતો દ્વારા દિલ્હીમાં સંસદને ઘેરાવ કરવા માટે જઈ રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં કૉંગ્રેસ પાર્ટીની સંકલન બેઠક યોજાઈ હતી. બાદમાં શહેરના મુખ્ય રાજમાર્ગ પર ખેડૂતોની વિવિધ માંગણીને લઈ વિશાળ રેલી અને સૂત્રોચ્ચાર સાથે મામલતદાર દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 


ગુજરાત કિસાન સભાના પ્રમુખ દ્વારા ચીમકી


સરકાર દ્વારા એક તરફ સ્વામિનાથનને ભારત રત્ન આપવામાં આવ્યું છે તો બીજી તરફ સ્વામિનાથનની ટેકાના ભાવની ભલામણ SPC2+ 50% ની અમલવારી કરતી નથી. જે ખેડૂતોની માંગણી વ્યાજબી હોવા છતાં પણ સરકાર દ્વારા ભલામણ સ્વીકારેલ નથી. જેના માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જો આ અંગે સરકાર દ્વારા માંગણીઓ સ્વિકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતોને જલદ આંદોલન કરવાની ફરજ પડશે એવી ગુજરાત કિસાન સભાના પ્રમુખ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. 


આગામી 16 તારીખના રોજ દેશભરમાં ખેડૂતો રસ્તા રોકો આંદોલન કરશે તેમજ મજદૂરો ચક્કાજામ જેવા કાર્યક્રમો કરવાના છે. ખેડૂતો અને મજદૂરોની લડાઈ એટલા માટે છે કે સરકાર મોટી કોર્પોરેટ કંપનીઓની નીતિ અપનાવી રહી હોય અને ખેડૂતો પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે ત્યારે આ લડાઈ મહત્વની છે તેવું ખેડૂત નેતા ડાયાભાઈ ગજેરાએ જણાવ્યું હતું. ખેડૂતો ટેકાના ભાવ માંગે છે, ગેરંટી કાયદો માંગે છે અને ખેડૂતોના દેવા નાબૂદ થવા જોઈએ, ખેડૂતોને પેન્શન મળવું જોઈએ જેવી માંગ કરવામાં આવી હતી.




ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે કૉંગ્રેસ અને સંયુક્ત મોરચા દ્વારા આજરોજ ઉપલેટા શહેરમાં રેલી કાઢીને રાષ્ટ્રપતિને દરમિયાનગીરી કરવા માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને આગામી 16 તારીખના રોજ સંયુક્ત કિસાન મોરચા દ્વારા સ્વયંભૂ બંધ રાખવા માટેનું એલાન કરવામાં આવ્યું છે.  જેને કૉંગ્રેસ પક્ષ સમર્થન આપે છે તેમજ ગ્રામ્ય વિસ્તાર સ્વયંભૂ બંધ રહે તે માટે કૉંગ્રેસના કાર્યકરો ગામડે-ગામડે ફરી રહ્યા છે. આગામી દિવસોમાં સરકાર માંગણીને નહિ સંતોષે તો જલદ આંદોલન પણ કરવાની સંયુક્ત કિસાન મોરચા અને કૉંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial