જૂનાગઢ: ગુજરાતમાં સ્કૂલો શરૂ થયાના થોડા દિવસ પછી જ વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગતા ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢના કેશોદમાં ટ્રસ્ટ સંચાલિત કે.એ. વણપરિયા સ્કૂલમાં એક સાથે 11 જેટલી વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવ્યા પછી હવે રાજકોટની સ્કૂલમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ હોવાના સમાચાર સામે આવતાં વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.


રાજકોટની કોટેચા ગર્લ્સ સ્કૂલના પ્રિન્સીપાલ સહીત ત્રણ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. મહિલા પ્રિન્સિપાલ સહીત ત્રણ કર્મીઓ આઈસોલેટ થયા છે. સ્કૂલો ચાલુ થયા પહેલા કોરોના થયો હોવાનું શિક્ષણ વિભાગનું રટણ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 6 કર્મીઓ આઇસોલેટ થયાનું શિક્ષણ વિભાગનું સમર્થન છે.

સૌરાષ્ટ્રમાં કેશોદ પછી રાજકોટની સ્કૂલમાં કોરોના દેખાયો છે. ધોરણ 10 અને 12ના વર્ગો ચાલુ થયા છે ત્યારે કોરોનાના કેસો આવતાં ફફડાટ ફેલાયો છે. નોંધનીય છે કે 11 જાન્યુઆરીથી રાજ્યભરમાં ધો. 10 અને 12નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં જ જામનગર જિલ્લાની જોડિયા સ્કૂલમાં પણ એક વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે 4 જેટલી વિદ્યાર્થિનીએ ટેસ્ટ કરાવ્યા હતા અને તેમાંથી એકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.