હિરેન બાબુભાઇ ગરધરીયા અને રવિ ધીરજલાલ ભડાણીયાંવાળાની ધરપકડ કરી જેલભેગા કર્યા છે. માવા-મસાલા પહોંચાડવા બંનેએ 25 હજાર રૂપિયા આપીને ડ્રોન ખરીદ્યું હોવાનું જાણવા મળે છે.
મોરબીમાં કોરોનાનો એક જ પોઝિટિવ કેસ છે અને વધુ કેસ ન આવે તે માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ખડે પગે છે. દરમિયાનમાં મોરબીમાં ટિકટોક પર ડ્રોનમાં કાચી 135 માવા બાંધી ડ્રોન મારફતે પહોંચાડાતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. મોરબીના યુવક દ્વારા આ વીડિયો ટિકટોકમાં મૂકાયો હોવાનું જાણવા મળ્યું હતું. જોત જોતામાં માવાના રસિયાઓમાં આ વીડિયો વાયરલ થઈ ગયો હતો.
આ વીડિયો વાયરલ થયા બાદ મોરબી એસપી ડો. કરણરાજ વાઘેલાએ આકરી કાર્યવાહીના આદેશ આપતાં પોલીસે બંને યુવકોને ઝડપીને તેની ધરપકડ કરી છે. ટિકટિક પર વીડિયો થતાં વાઘેલાએ બી ડિવિઝન પોલીસને તપાસ માટે આદેશ આપીને વીડિયો વધુ ફરતો ન થાય એ માટે પણ કડક સૂચના આપી હતી.
બી ડિવિઝન પીઆઈની ટીમને આ વીડિયો ગીતાપાર્ક વિસ્તારનો હોવાનું જાણવા મળતાં જ પોલીસ ગણતરીની કલાકોમાં જ ત્યાં પહોંચી ગઈ હતી.આ વિવાદિત વીડિયો ટિકટોક પર મુકનારા મોરબીમાં રહેતા જૂનાગઢના માણાવદરના બે યુવાનોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ હિરેન બાબુભાઇ ગરધરીયા અને રવિ ધીરજલાલ ભડાણીયાં નામ સામે આવતાં જ તેમની અટકાયત કરી હતી. પોલીસે બન્ને યુવાનો વિરુદ્ધ ગેરકાયદેસર ડ્રોન ઉડાડી અને તેમાં માવા બાંધી અને વેચાણ કરવા લોકોને એકઠા કરવાનો જાહેરનામા ભંગની કલમ 188 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.