સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાત પોલીસ કોરોના સામે લડાઈ લડી રહી છે ત્યારે રાજકોટ પોલીસ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા કટિબદ્ધ જોવા મળી રહી છે. રાજકોટ પોલીસ સીસીટીવી, ડ્રોન અને આઈ-વે પ્રોજેક્ટ મારફતે બહાર ફરતાં લોકોને ઝડપી પાડવા માટેની કાર્યવાહી કરી રહી છે. એવામાં રાજકોટ પોલીસે સીસીટીવીની મદદથી એક એવા યુવાનની ધરપકડ કરી છે કે જે રોજ નવા-નવા બહાના બતાવીને ઘરની બહાર નીકળતો જોવા મળ્યો હતો. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ આ મામલે રાજકોટ પોલીસના વખાણ કર્યાં છે.

રાજકોટ પોલીસના વખાણ કરતાં રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું હતું કે, રાજકોટમાં એક યુવક દવાનું બહાનું બતાવી 3 દિવસમાં 21 વખત બહાર નીકળ્યો હતો. રાજકોટ પોલીસે આ પરાક્રમ આઈ-વે પ્રોજેક્ટથી કરી દેખાડ્યું છે. સીસીટીવીના માધ્યમથી રાજકોટ પોલીસે યુવકની અવર-જવર પર ચાંપતી નજર રાખી હતી. ત્યાર બાદ પોલીસના ધ્યાને આવ્યું કે યુવક દરરોજ નવા-નવા બહાના બતાવીને ઘરની બહાર નીકળતો હતો. 16 દિવસથી આ યુવકની બહાના કાઢીને ઘરની બહાર નીકળતો હતો. જેને પોલીસે આઈ-વે પ્રોજેક્ટ મારફતે ઝડપી પાડી તેની ધરપકડ કરી છે.

લોકડાઉનનાં સમયમાં પણ રાજકોટમાં ઘણાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. આવા લોકોને પકડી પાડવા માટે પોલીસે હવે આઈ-વે પ્રોજેક્ટનો સહારો લીધો છે. એટલે કે હવે જો તમે ઘરની બહાર નીકળશો તો તમારા વાહનનું ટ્રેકિંગ કરવામાં આવશે. તમે કેટલી વાર અને કયા રસ્તેથી પસાર થઈ રહ્યા છો તેના પર નજર રાખવામાં આવશે.