જામનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે સૌરાષ્ટ્રના જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ગઈ કાલે રાત્રે વધુ 5 કોરોનાના કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. જામગનર શહેરમાં કોરોનાના કેસો વધતા 44 વિસ્તારોને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. જ્યારે ગ્રામ્યમાં 14 વિસ્તારો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. જિલ્લામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 156 થઇ ગઈ છે. તેમજ અત્યાર સુધીમાં 5નાં મોત થયા છે. જ્યારે ૭૧ દર્દીઓને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે.

નોંધનીય છે કે, સરકારની અખબારી યાદી પ્રમાણે ગઈ કાલે દિવસ દરમિયાન જામનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના 11 કેસ નોંધાયા હતા. તેમજ જામનગર જિલ્લામાં એક કેસ નોંધાયો હતો. આ પછી રાત્રે કોરોનાના વધુ 5 કેસ રાતે આવતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, ત્યારે જામનગરના વેપારીઓએ એક પ્રસંશનિય નિર્ણય લઈને બપોર પછી સ્વૈચ્છિક લોકડાઉન પાળવાની જાહેરાત કરી છે.

જામનગરમાં વધી રહેલા કોરોના કેસને કારણે ધી સીડ્ઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસીએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશને કરેલી જાહેરાત પ્રમાણે , આવતી કાલે બુધવારથી ગ્રેઇન માર્કેટમાં આવેલી તમામ દુકાનો માત્ર સવારે 9 થી બપોરે 2 સુધી જ ખુલ્લી રાખવામાં આવશે. આ સમય સિવાય ગ્રેઇન માર્કેટમાં સ્વૈચ્છિક લોકડાઉન રહેશે અને કોઈ પણ દુકાન ખુલ્લી નહીં રહે. ગ્રાહકોએ આ સમય દરમિયાન પોતાના માટે જરૂરી ચીજો લઈ લેવાની રહેશે.