રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી રહ્યા નથી અને રાજકોટમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે રાજકોટમાં રાત્રિ કરફ્યું લાદવાની માગણી શરૂ થઈ છે. બીજી તરફ આ માગમીનો વિરોધ પણ શરૂ થયો છે. રાજકોટ-ગોંડલ હાઈવે પર શાપર વેરાવળ ઔદ્યોગિક વસાહતમાં 3500થી વધુ કારખાનાં આવેલા છે. આ કારખાનાનાં એસોસિએશન દ્વારા રાત્રિના 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવા માંગણી કરાઈ છે. રાજકોટ એન્જીનિયરિંગ એસોસિએશન દ્વારા તેનો વિરોધ કરાયો છે.


રાજકોટમાં કોરોનાના કેસો વધતાં આ વિસ્તારમાં સંક્રમણ ના વધે અને મહામારીનો ચેપ ઘટે તે માટે શાપર વેરાવળ ઔદ્યોગિક એસોસિએશનનાના પ્રમુખ રમેશ ટીલાળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રાત્રિના 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવા માગણ કરી છે. તેમણે જણાવ્યું કે રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના મહામારીની સ્થિતિ ઘણી જ ગંભીર હોવાથી સંક્રમણ રોકવા સ્વૈચ્છિક રીતે રાત્રિ કર્ફ્યુનો અમલ કરાવવો જરૂરી છે.

રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશનના પ્રમુખ પરેશ વાસાણીએ જણાવ્યું કે, હવે રાત્રિ કરફ્યુની જરૂર નથી. કારખાનાં 70 ટકા માંડ કાર્યરત થયા છે અને ઉત્પાદન પ્રક્રિયા રાત્રિના મોડે સુધી ચાલતી હોય છે ત્યારે કર્ફ્યુ ફરી અમલી કરાવવાનો અમારો જરા મત નથી.

રાજકોટની દિવાનપરા, સોનીબજાર, પરાબજાર, સ્ટેશનરી ધંધાર્થીઓ વગેરેએ સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કર્યો હતો પણ એન્જીનિયરિંગ એસોસિએશન તેના વિરોધમાં છે.