Rajkot: રાજકોટમાં કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં વધારો થયો છે. એક સપ્તાહમાં કપાસિયા તેલમાં એક ડબ્બા પર 75 રૂપિયાનો વધારો થયો છે જ્યારે પામોલીન તેલમાં એક સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલનો એક ડબ્બાનો ભાવ વધીને 1885 થયો છે જ્યારે પામોલીન તેલનો એક ડબ્બાનો ભાવ વધીને 1685 રૂપિયા પર પહોંચ્યો હતો. રાયડાના તેલમાં 50 રૂપિયા, કોપરેલ તેલમાં 120નો વધારો થયો છે.


રાજકોટમાં સિંગતેલ સિવાય કપાસિયા અને પામોલીન તેલમાં વધારો થયો છે. કપાસિયા તેલમાં એક સપ્તાહમાં ડબ્બે 75નો વધારો તો પામોલીન તેલમાં એક સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો થયો છે. તો કપાસિયા તેલનો ડબ્બો 1790 થી વધીને 1885 રૂપિયા સુધી પહોંચ્યો હતો. બીજી તરફ પામોલીન તેલનો ડબ્બો 1,605 થી વધીને 1685 રૂપિયા થયો હતો. વરસાદથી તેલિબિયા પાકો અને નુકસાનીના અંદાજને લઈને ભાવમાં સતત વધારો થયો છે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે તેલિબિયા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેને લઈને અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે.


ગોંડલ માર્કેટ યાર્ડમા ચાઇનીઝ લસણને લઇને થયો હતો હોબાળો 


રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઈનીઝ લસણના વેચાણને લઈને હોબાળો મચી ગયો હતો.  અહીં લાવવામાં આવેલા પ્રતિબંધિત ચાઈનીઝ લસણથી નારાજ ખેડૂતોએ સમગ્ર સૌરાષ્ટ્રમાં તેની હરાજી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ લસણની આજે ક્યાંય હરાજી થઈ ન હતી. બે દિવસ પહેલા ગુજરાતના ગોંડલ શાક માર્કેટ યાર્ડમાં ભારતીય લસણ સાથે ભેળવવામાં આવેલ પ્રતિબંધિત ચાઈનીઝ લસણના 30 કટ્ટા મળી આવ્યા હતા. આ ચાઇનીઝ લસણ ગોંડલ સુધી કેવી રીતે પહોંચ્યું તેને લઇને ચોંકાવનારો ખુલાસો થયો હતો.


રાજ્યમાં દાણચોરીથી ચાઈનીઝ લસણ પહોંચ્યું હોવાની આશંકા છે.ચાઈનીઝ લસણ બેંગલુરૂથી વાયા મુંબઈ થઈ ગુજરાત પહોંચ્યું હોવાની માહિતી મળી રહી છે. ઉપલેટાનો એક વેપારી ચાઈનીઝ લસણ લાવ્યાનો આરોપ છે. ઉપલેટાના અસફાક નામના વેપારીએ ગોંડલ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.