રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે લેઉઆ પાટીદારોનાં કુળદેવી મા ખોડલના ધામ ખોડલધામની ઓચિંતી મુલાકાત લેતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. સી. આર. પાટીલે મા ખોડલનાં દર્શન કર્યાં હતાં. પાટીલે ભરતભાઈ બોઘરા તેમજ મનસુખ ભાઈ ખાચરીયા સાથે દર્શન કર્યા હતાં. ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે પાટીલને ખોડલ ધામનો ખેસ પહેરાવ્યો હતો અને પ્રસાદી આપી હતી.

પાટીલે પોતાની મુલાકાત આકસ્મિક નહીં હોવાનો દાવો કર્યો હતો. પાટીલે જણાવ્યું હતું કે, ખોડલધામનો 21  જાન્યુઆરીએ પાટોત્સવ છે. ખોડલધામના આ પંચવર્ષિય પાટોત્સવ પહેલાં મા ખોડલના દર્શન માટે સુરતના ગોપાલભાઈએ ચમારડી ખાતેથી પદયાત્રા યોજી હતી. આ પદયાત્રાના સ્વાગત માટે હું અને નરેશભાઇ પટેલ લીલાખામાં સાથે હતા. પદયાત્રાના સ્વાગત બાદ અમે ખોડલમાતાના દર્શને આવ્યા છીએ. આ મારી અણધારી મુલાકાત નથી પણ મારા કાર્યક્રમમાં તેનો સમાવેશ કરાયો જ હતો.


પાટીલે જણાવ્યું કે, ઘણા દિવસ પહેલાંથી જ નક્કી હતું કે, ચમારડી ગોપાલભાઇના કાર્યક્રમમાં જવું અને ત્યાંથી અહીં દર્શને આવવું. ખોડલધામમાં માના આશિર્વાદ લઈને પ્રસાદ લઇને જવું ત્યાં સુધી નક્કી હતું.


ખોડલધામમાં સી.આર.  પાટીલે મા ખોડલના દર્શન કરી પ્રસાદ પણ લીધો હતો. પાટીલ સાથે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ડો.ભરત બોઘરા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા સહિતના ભાજપના આગેવાનો જોડાયા હતા. ખોડલધામમાં નરેશ પટેલે પાટીલનું સ્વાગત કર્યું હતું અને ખોડલધામનો ખેસ પહેરાવ્યો હતો.


પાટીલે કહ્યું હતું કે, ખોડલધામના પાટોત્સવની તૈયારી થઈ રહી છે તે નિહાળીને આનંદ થયો.  ખૂબ ભવ્ય તૈયારી ચાલી રહી છે અને આ કાર્યક્રમ પણ ભવ્ય હશે તેની મને ખાતરી છે. પાટીલે હેલિકોપ્ટર મારફત ગોંડલ એસઆરપીગ્રાઉન્ડ હેલિપેડ ખાતે ઉતરાણ કર્યું હતું.  ભાજપના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત પછી પાટીલ કારમાં લીલાખા પહોંચ્યા હતા. સ્વાગત બાદ તેમણે ખોડલધામની ઓચિંતી મુલાકાત લીધી હતી.