Rajkot Crime News: રાજ્યમાં વધુ એક ગુનાખોરીની ઘટનાનો પર્દાફાશ થયો છે. પોલીસે રાજકોટમાં ગાંજા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. બે શખ્સો 24 કિલો ગાંજો લાવીને હેરફેર કરતાં હતા, જોકે બાતમી મળતાં જ શાસ્ત્રી મેદાનમાંથી બન્ને શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. બન્ને શખ્સો સાથે 3 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
રાજકોટમાં ગાંજાના વેપારનો પર્દાફાશ થયો છે, મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં પોલીસે બે શખ્સોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. રાજકોટમાં 24 કિલો ગાંજા સાથે બે શખ્સોને પોલીસે ઝડપ્યા છે. બન્ને શખ્સો ગાંજાની હેરફેર અને વેચાણ કરતાં હતાં, રાજકોટના શાસ્ત્રી મેદાનમાં જ્યારે બન્ને શખ્સો વેચાણ કરી રહ્યાં હતા તે સમયે પોલીસે બાતમીના આધારે બન્નેને ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા, ધરપકડ કરાયેલા આરોપીઓનું નામ કાર્તિક ઉર્ફે ભોલો ગોહિલ અને જીવા ચૂડાસમા છે. બન્ને આરોપીએ પાસેથી ગાંજો, મોબાઈલ, બાઈક સહિત 2.95 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં પુત્રના હાથે પિતાની હત્યા
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક પુત્રએ કંટાળીને પોતાના પિતાની હત્યા કરી નાખી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પિતા નશો કરીને ઘરમાં સતત ઝઘડા કરતા હતા, જેનાથી કંટાળીને પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પિતાને માર માર્યો હતો. આ હુમલામાં પિતાને માથા અને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. બાપુનગર પોલીસે આ મામલે કાર્યવાહી કરીને આરોપી પુત્ર સોનુ શર્માની ધરપકડ કરી છે.
નર્મદાના પીપલોદ ગામમાં મહિલાની હત્યા
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પીપલોદ ગામમાં પણ એક ૪૮ વર્ષીય મહિલાની કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. મૃતક રમીલાબેન વસાવાનો મૃતદેહ તેમના જ ઘરના આંગણામાંથી મળી આવ્યો હતો. મહિલાના ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા, જેના પરથી પરિવારજનોએ ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ઘટનાસ્થળે પોલીસ પહોંચી ત્યારે મૃતકના પરિવાર અને પોલીસ વચ્ચે રકઝક પણ થઈ હતી. બાદમાં લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. ડેડીયાપાડા પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી એફએસએલ, ડોગ સ્ક્વોડ અને હ્યુમન સોર્સીસની મદદથી તપાસ શરૂ કરી છે. મૃતકની પુત્રી રમીલાબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અમરેલીના ખીજડિયા ગામે આધેડની હત્યા
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખીજડિયા ગામે પણ એક આધેડની હત્યા કરી દેવાઈ છે. ખેતરના રસ્તા બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ૫૫ વર્ષીય કાળુભાઈ વાળા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા કાળુભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે પોલીસે જયરાજ વાળા અને રાજદીપ વાળા નામના બે યુવકો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.