રાજકોટમાં તબીબ સસરા સામે વિધવા પુત્રવધૂએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. રાજકોટમાં દિકરી સમાન ગણાતી વિધવા પુત્રવધુ સાથે ડોક્ટર સસરાએ શારીરિક અડપલા કર્યા હતા. પુત્રવધૂની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. 38 વર્ષીય પીડિતાએ પોતાના સસરા વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે IPC ની કલમ 354, 506(2) અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતાએ કહ્યું હતું કે મારા સસરાએ મારી સાથે શારીરિક અડપલા કરી મારી જાતીય સતામણી કરી છે. મારા પતિને લીવર ફેલ્યોરના કારણે ઇન્ફેક્શન થતા 21 ઓગસ્ટ 2023 ના રોજ તેમનું અવસાન થયું હતું. ત્યારબાદથી હું અને મારો દીકરો બંને એકલા રહીએ છીએ.

પીડિતાએ કહ્યું હતું કે તેના સસરાએ ધાર્મિક પ્રવાસ અને રાજકોટમાં તેના ઘરમાં તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. એટલુ જ નહી આ વાત કોઇને કહીશ તો મારી નાખવાની પણ ધમકી આપી હતી. પીડિતાએ કહ્યું કે આ અંગેની ફરિયાદ તેણે સાસુને કરી તો તેમણે જવાબ આપ્યો હતો કે તારા સસરાના શરીરમાં તારો પતિ આવે છે. જોકે પુત્રવધૂએ આ અંગેની જાણ તેના માતાપિતાને કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુનિવર્સિટી પોલીસે છેડતી અને જાનથી મારી નાંખવાની ધમકીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

પુત્રવધૂએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા સસરા હાલ કોઠારીયા મેઈન રોડ પર મેડિકલ સ્ટોર ચલાવે છે જ્યારે મારા સાસુ પણ તબીબ હોવાના કારણે પોતે પ્રાઇવેટ ક્લિનિક ચલાવે છે. ગયા વર્ષે 19 મેના રોજ હું તેમ જ મારો દીકરો અને મારા સાસુ સસરા ચિત્રકૂટ ખાતે ફરવા ગયા હતા. ત્યારે રાત્રિના સમયે મારી જાણ બહાર મારા સસરા મારી સાસુની જગ્યાએ મારી બાજુમાં સૂઈ ગયા હતા. દરમિયાન રાત્રિના સમયે મારા સસરા મારા ગાલ ઉપર, પેટ ઉપર તેમજ પ્રાઇવેટ પાર્ટ ઉપર હાથ ફેરવવા લાગતા હું ડરી ગઈ હતી. જેથી હું મારી સાસુને જગાડવા જતી હતી તે દરમિયાન મારા સસરાએ ધમકી આપી હતી કે જો હું તેમને જગાડીશ તો જોવા જેવી થશે તેમ કહેતા હું ડરી ગઈ હતી.

જોકે બીજા દિવસે પીડિતાએ આ સમગ્ર બાબતની જાણ તેમના સાસુને કરી હતી પરંતુ તેમણે જણાવ્યું હતું કે તારા પપ્પાના શરીરમાં તારો પતિ આવે છે. તું કોઈને કંઈ કહીશ નહીં નહિતર તને ઘર ચલાવવા માટે પૈસા નહીં આપે તે પ્રકારની ધમકી આપી હતી. ત્યારબાદ 24 માર્ચ 2025 ના રોજ મારા સસરા અમારા ઘરે આવ્યા હતા અને કહ્યું હતું કે મારે અહીં જ રહેવું છે. પીડિતાએ જણાવ્યું કે, રાત્રિના સમયે મારા સસરાએ મારા રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. જેથી મેં રૂમનો દરવાજો ખોલતા મારા સસરા મારી રૂમમાં આવી ગયા અને મારો હાથ પકડીને મારા પ્રાઇવેટ પાર્ટને ટચ કરવા લાગ્યા હતા. બાદમાં પીડિતાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં પોતાના સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.