રાજકોટઃ સમયસર સારવાર ના મળતાં મુખ્યમંત્રી રૂપાણીના ભાઈનું મોત, જાણો કોની બેદરકારી ભારે પડી?
abpasmita.in | 09 Oct 2019 11:37 AM (IST)
જ્યારે એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચી ત્યારે તેમનું મોત થયું હતું.
રાજકોટઃ 108ની એમ્બ્યુલન્સને કારણે અનેક લોકોનાં જીવ બચ્યાં છે તો તેની બેદરકારીને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યાં પણ છે તેવું કહી શકાય. મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં માસીનાં દીકરા અનિલભાઇ સંઘવીનું મૃત્યું 4 ઓક્ટોબરનાં રોજ નીપજ્યું હતું. જેમાં 108ની એમ્બ્યુલન્સ મોડી આવતા તેમનો જીવ ગયા હતો. આ સમગ્ર હકીકત ધ્યાનમાં આવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તરત જ કલેક્ટરને તપાસનાં આદેશ આપ્યાં છે. સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 10 ખાતે રહેતા મુખ્યમંત્રીના માસિયાઈ ભાઈ અનિલભાઇ સંઘવીને શ્વાસની તકલીફ થતા તેમના પુત્ર ગૌરાંગભાઇ અને પરિવારજનોએ પોતાના મોબાઇલમાંથી 108ને ફોન લગાડ્યો હતો, પરંતુ શરૂઆતમાં 15 20 મિનિટ મોબાઇલ પર 108ને ફોન કરતા સતત વ્યસ્ત આવ્યો હતો અને બાદમાં લેન્ડલાઇનમાંથી ફોન લાગ્યો હતો, પરંતુ ઓપરેટરેની ગેરસમજના કારણે 108ની ગાડી છેક ઇશ્વરિયા ગામ સુધી પહોંચી ગઇ હતી. જ્યારે એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચી ત્યારે તેમનું મોત થયું હતું. મુખ્યમંત્રી મંગળવારે રાજકોટ તેમના પરિવારજનોને આશ્વાસન આપવા માટે આવ્યા ત્યારે સમગ્ર હકીકત ધ્યાન પર આવતા તુરંત કલેક્ટરને આવું કેમ થયું તે અંગે તપાસ કરવા સૂચના આપી હતી.