રાજકોટ: રાજકોટ શહેરમાં આજે સોલિડ વેસ્ટની ટીમને સાથે રાખીને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એ.આર. સિંહ સવારે હોકી લઈને રાજમાર્ગો પર નીકળી પડ્યા હતા અને જાહેરમાં ગંદકી કરતા ધંધાર્થીઓને દંડો બતાવી હજારોનો દંડ ફટકાર્યો હતો. ગત મહિને પણ ડેપ્યુટી કમિશનર એ.આર.સિંહ હોકી લઈને રાજમાર્ગો પણ નિકળ્યાં હતા.


ડેપ્યુટી કમિશનર એ.આર.સિંહે જણાવ્યું હતું કે, અમુક લોકો અને ધંધાર્થીઓને સ્વચ્છતા જાળવવાની વાત અનેક વખત કહેવા છતાં સમજતા નથી. તાજેતરમાં એક રેંકડીધારકે મનપાના દબાણ હટાવ શાખાના ઇન્સ્પેક્ટર પર હુમલો પણ કર્યો હતો. સમાજમાં તમામ પ્રકારના લોકો રહેતા હોય છે. અમુક લોકોના કારણે ઘર્ષણ થાય છે તે અટકાવવા અને આવા લોકોમાં ધાક રહે તે માટે હાથમાં લાકડી કે હોકી હોવી જરૂરી છે.

જો કે ગત મહિને પણ ડેપ્યુટી કમિશનર હાથમાં હોકી લઈને રસ્તા પર ચેકિંગ કરતા જોવા મળ્યાં હતા. ગત મહિને ડેપ્યુટી કમિશર એ.આર.સિંહે ગંદકી કરતા 116 ધંધાર્થીઓને દંડો બતાવી 44 હજારનો દંડ કર્યો હતો.