રાજકોટ:  દેવાયત ખવડ અંતે 72 દિવસ બાદ જેલમુક્ત થયો છે.  મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડ રાજકોટની મધ્યસ્થ જેલમાં બંધ હતો.  આખરે હાઇકોર્ટ દ્વારા રાજકોટમાં છ મહિના સુધી પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે.  


જેલમાંથી બહાર આવ્યા બાદ સૌપ્રથમ તેણે જેલના પંટાગણમાં આવેલા માતાજીના મંદિરે શીશ ઝૂકાવ્યું હતું. ગત સાતમી ડિસેમ્બરે દેવાયત ખવડ સહિતના વ્યક્તિઓએ મયુરસિંહ રાણા ઉપર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સર્વેશ્વર ચોક નજીક હુમલો કર્યો હતો. જે અંતર્ગત દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મથકમાં આઇપીસીની કલમ 307 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે જેલમાંથી મુક્તિ મેળવવા બાબતે દેવાયત ખવડ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ હાઇકોર્ટ દ્વારા દેવાયત ખવડને છ માસ સુધી રાજકોટમાં પ્રવેશ ન કરવાની શરત સાથે જામીન આપ્યા છે.


શાયરાના અંદાઝમાં વાતચીત 


દેવાયત ખવડ જેલમાંથી બહાર આવતા મીડિયા સાથેની વાતચીત કરતા તેને સૌપ્રથમ પોતાના અઢારે વર્ણના ચાહક વર્ગ તેમજ માતાજીનો આભાર માન્યો હતો.  ત્યારબાદ અમૃત ઘાયલની રચનાથી તેને મીડિયા સાથે પોતાની વાતચીત શરૂ કરી હતી. અમૃત ઘાયલની રચના કહેતા તેણે શેર કહ્યો હતો કે, ‘જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, તેમને શું છે જિંદગી તેની ખબર હોતી નથી’.


આ સાથે જ તેણે પોતાના પર લાગેલા આક્ષેપ મામલે જણાવ્યુ હતુ કે, ‘આગામી સમયમાં હું કેટલાક ખુલાસા કરીશ તેમજ સમય આવ્યે જવાબ આપીશ.’ ત્યારે આગામી સમયમાં દેવાયત ખવડ દ્વારા કયા પ્રકારના ખુલાસાઓ કરવામાં આવે છે તે જોવું અતિમહત્વનું બની રહેશે. તો સાથે જ હાઇકોર્ટ દ્વારા જે શરત મૂકવામાં આવી છે તે અનુસાર તે રાજકોટ સ્થિત આગામી છ માસ સુધી પોતાના ઘરે પણ નહીં રહી શકે. 


જુનિયર ક્લાર્કની મોકુફ રખાયેલી પરીક્ષા 9 એપ્રિલે લેવાશે


જુનિયર ક્લાર્કની મોકુફ રખાયેલી પરીક્ષા 9 એપ્રિલે લેવાશે.  ગુજરાત પંચાયત પસંદગી મંડળે સત્તાવાર જાહેરાત કરી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજશે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવી હતી જે બાદ પરીક્ષાની ફાઈનલ તારીખ જાહેર કરી છે.