Dhoraji Accident News: રાજકોટ જિલ્લામાંથી આજે એક મોટી હોનારતના સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના ધોરાજી નજીક આવેલા ભાદર-2 ડેમમાં એક કાર ખાબકતાં ચાર લોકોના ડુબી જવાથી મોત થયા છે. મૃત્યુ પામનાર ચારેય લોકો એક જ પરિવારના હતા, આ પરિવાર ઉપલેટામાં આવેલા માંડાસણ ગામે સોમયજ્ઞમાં હજારી આપવા ગયો હતો, અને દર્શન કરીને પરત ફરી રહ્યો હતો તે દરમિયાન આખો પરિવાર અચાનક કાર અકસ્માતનો ભોગ બન્યો હતો. આ ઘટના બાદ સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાએ ધોરાજી હૉસ્પિટલ ખાતે પહોંચ્યા અને પરિવારને સાંત્વના આપી હતી. આ ઉપરાંત પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ પણ ઘટનાની જાણ થતાં પોતાનો પ્રવાસ ટૂંકાવી હૉસ્પીટલ પહોંચ્યા હતા. 


આજે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રહેતા દિનેશભાઈ ઠુંમ્મર પોતાના પરિવાર સાથે ઉપલેટામાં આવેલા માંડાસણ ગામે ચાલતા સોમયજ્ઞમા દર્શન ગયા હતા, આજે સવારે પરત ફરતી વેરાએ ધોરાજી ભાદર-2 ડેમની નદીમાં તેમની કાર અચાનક ડિવાઈડર તોડીને ખાબકી હતી. જેમાં પરિવારના ચારેય લોકોના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ત્યાંના સ્થાનિક તરવૈયાની મદદથી ચારેયના મૃતદેહને નદીની બહાર કાઢવામાં આવ્યા હતા, અને હૉસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. 


ઘટનામાં દિનેશભાઈ ઠુંમ્મર તેમની પત્ની લીલાવતીબેન ઠુંમ્મર, દીકરી હાર્દિકાબેન ઠુંમ્મર તેમજ તેમના સંબંધી સંગીતાબેન કોયાણીનું મોત થયુ હતુ. ઠુંમ્મર પરિવારમા એકસાથે ત્રણ લોકોના મોત થતાં હૉસ્પીટલમા લોકો શોકમય બની ગયા હતા. આ ઘટનામાં મૃતક હાર્દિકાબેન ઠુંમ્મરની થોડા સમય પહેલા જ સગાઈ થઇ હતી અને આવતા મહિને તેમના લગ્ન પણ હતા. એકસાથે ચાર લોકોના મોતથી શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. 


ધોરાજીમા અકસ્માતમાં ચાર-ચાર લોકોના મોત થવાની જાણ થતાં જ પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા પણ પોતાનો પ્રવાસ ટૂંકાવીને હૉસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને પરિવારને સાંત્વના આપી હતી. આ ઉપરાંત ધોરાજી અકસ્માતની જાણ થતા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયા પણ હૉસ્પીટલ પહોંચ્યા હતા, અને પરિવાર અને ડોક્ટર સાથે વાતચીત કરીને તાત્કાલિક પૉસ્ટમૉટમ કરવા કહ્યું હતુ.


જેતપુર ડિવીઝન અધિક્ષક રોહિત ડોડીયાને અકસ્માતની જાણ થતાં તેઓ ઘટનાસ્થળ પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. આઈ-20 કાર ઉપલેટા રૉડ ઉપરથી પરત ધોરાજી તરફ આવી રહી હતી તે સમયે ધોરાજી ભાદર-2 નદીમાં કારનું ટાયર ફાટી ગયુ અને કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી, કાર ડિવાઇડર તોડીને ભાદર-2 નદીના પુલ ઉપરથી નીચે ખાબકી હતી, જેમાં કારમાં સવાર ચારેય લોકોના ડુબી જવાથી મોત થયા હતા. બાદમાં આ ચારેય મૃતદેહોને નદીમાંથી બહાર કાડીને ધોરાજી હૉસ્પીટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.