Rajkot Civil Hospital: રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. રાજકોટ સીવીલ હોસ્પિટલમાંથી 100થી વધુ ઓક્સિજનના સિલિન્ડર ગુમ થયા છે. આ ઓક્સિજન સિલિન્ડર ગુમ થયા છે કે ચોરી થયા છે એ પણ તંત્રને ખબર નથી.
કોરોના કાળમાં દાતાઓએ આપેલા 100 થી વધુ સિલિન્ડર ગુમ થયા છે. કોરોનાના બે વર્ષ પછી પણ ઓક્સિજન બાટલા પરત માંગવામાં આવ્યા નહીં. 100થી વધુ બાટલા ગુમ થયા છે તે હોસ્પિટલના જ સ્ટાફે ઘર ભેગા કર્યા હોવાની ચર્ચા છે. સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તો મોટો ભાંડા ફોડ થાય તેમ છે. દાતાઓએ આપેલા સિલિન્ડરની રજીસ્ટરમાં પણ કોઈ નોંધ કરવામાં આવી નથી.
આ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલને લઈના રોડ રસ્તાને લઈને સમાચાર આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના રસ્તા બિસ્માર હાલતમાં હોવાથી બીમાર બીમાર દર્દીની તકલીફમાં વધારો થઇ રહ્યો છે. નોંધનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની એક માત્ર મોટી સરકારી હોસ્પિટલ છે જેથી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ અહીં આવે છે.
આ પહેલા સિવિલ સુપ્રિટેન્ડન્સ સાથે એબીપી અસ્મિતા એ વાત કરી હતી, ત્યારે તેમને કહ્યું હતું કે ટૂંક સમયમાં રોડ રસ્ત બની જશે પણ તેમ છથાં હજી સુધી સિવિલ હોસ્પિટલમાં રસ્તાની હાલતમાં હજુ પણ સુધારો નથી થયો. આ ખાડાવાળા રસ્તાને કારણે વધુ ગંભીર દર્દીઓને વધારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અહી એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓ અને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં સ્ટ્રેચર પર જતા દર્દીઓ પણ બિસ્માર રસ્તાને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં ઓપરેશન વાળા દર્દીઓને પણ રોડ રસ્તાની ખરાબ હાલતને કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
આ મામલે દર્દીઓએ કહ્યું કે, એક વોર્ડમાંથી સ્ટ્રેચરમા બીજા વોર્ડ સુધી પહોંચતા શરીરનો દુખાવો વધી જાય છે. આવા અનેક બીમાર દર્દીઓ અને તેના સ્વજનોએ તેમની મુશ્કેલી વર્ણવી હતી. લોકોની તકલીફને ધ્યાનમાં લેતા રાજ્યના આરોગ્ય વિભાગ અને સરકારે સિવિલના રોડ રસ્તા મુદ્દે ગંભીરતા દાખવવાની જરૂર છે.