હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ ગુજરાતમાં ઘણી જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે ત્યારે મંગળવારે સૌરાષ્ટ્રના ધોરાજી, ઉપલેટા, ગોંડલ અને જેતપુરમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતાં. આ ચારેય જગ્યાએ 4.1ના ભૂકંપે લોકોને ધ્રુજાવી નાખ્યા હતાં. ઉપલેટાથી 25 કી.મી. દૂર કેન્દ્રબિંદુ હોવાનું સિસ્મોલોજી વિભાગે જાહેર કર્યું હતું. જોકે ભૂકંપની અસર સામાન્ય હોવાથી કોઈ જગ્યાએ જાનહાની થઈ નહોતી.


ઘણાં સમય બાદ મંગળવારે સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરે 3.50 વાગ્યે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતાં ઉપલેટા અને આસપાસના ગામડામાં અસર જોવા મળી હતી. ધોરાજીમાં ભૂકંપ આવતાં રસોડાના વાસણ ખખડવા માંડતા લોકો ઘર અને એપાર્ટમેન્ટની બહાર દોડી આવ્યા હતાં.

બપોરે લોકો જ્યારે ભરનીંદરમાં માણી રહ્યાં હતા ત્યારે ભૂકંપનો આંચકો અનુભવતાં અનેક લોકો ભયથી ઘરની બહાર દોડી આવ્યા હતાં. જોકે પંથકમાં એક પણ જગ્યાએ ભૂકંપની કોઈ ગંભીર અસર થઈ ન હતી.

ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઈટ પર સતાવાર વિગતો પ્રમાણે, ઉપલેટાથી 25 કી.મી. દૂરના કેન્દ્રબિંદુ પર 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂંકપને કારણે લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં પણ સોમવારે રાત્ર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 1.2ની તીવ્રતા નોંધાઈ હતી. જૂનાગઢથી 16 કિમી દૂર કેંદ્ર બિંદુ નોંધાયું હતું. રાત્રે 3.41 વાગ્યે ભૂંકપનો આંચકો અનુભવાયો હતો.