અમરેલીઃ સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડાના સંકટ વચ્ચે આજે વહેલી સવારે કેટલાક વિસ્તારમાં ભુકંપનો આંચકો આવ્યો હતો.  જૂનાગઢ જિલ્લાના દીવ, વેરાવળ જિલ્લાના ઉના, ગીર-સોમનાથમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ મુજબ 4.8 નોંધાઈ છે. 


આ ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલીના રાજુલા, જાફરાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો મધરાતે જ ઘરની બહાર દોડી આવ્યા હતા.


વહેલી સવારે જે વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે એ જ જગ્યાએ આજે સાંજે 'તૌકતે' વાવાઝોડું ટકરાવાની શક્યતા છે.વાવાઝોડું સોમવારે ગુજરાતના કાંઠે આશરે 175 કિ.મી.ની ઝડપે ટકરાશે. બીજી તરફ વાવાઝોડાની શક્યતાને લઈ રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. 


રાજ્યમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરીને બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે. દરમિયાન કાંઠાના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે રાજ્યના 15 જિલ્લામાં 70થી 175 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાશે.


વાવાઝોડાની અગમચેતી રૂપે તૈયારીની સમીક્ષા કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વીડિયો-કોન્ફરન્સ કરી હતી. રાજ્યમાં સ્થિતિ બેકાબૂ ના થાય એ માટે સરકારે આર્મી, નૌસેના અને વાયુસેનાને પણ સ્ટેન્ડુ ટુ રહેવાનો નિર્દેશ આપ્યો છે. છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કહ્યું હતું કે, વાવાઝોડું દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ 600 કિ.મી. દૂર છે, જે 17મીએ ગુજરાતના દરિયા કિનારે આવશે અને 18મીએ પોરબંદરથી લઈને ભાવનગરના મહુવાને ક્રોસ કરશે.


Cyclone Tauktae : વડોદરામાં ખાનગી કંપનીનો ટાવર ધરાશાયી થતાં કર્મચારીનું મોત  


વડોદરાઃ ગુજરાત તરફ તૌકતે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. ગઈ કાલથી જ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે, ત્યારે વડોદરામાં ખાનગી કંપનીનો ટાવર ધરાશાયી થયો હતો. જેમાં કંપનીના એક કર્મચારીનું મોત નીપજ્યું છે.  નંદેસરીની પાનોલી ઇન્ટરમિડીયેટ કંપનીનો ટાવર ધરાશાયી થયો છે.  


ટાવર ધરાશાયી થતાં કંપનીના કર્મચારી આશિષ ગોહિલનું મોત નીપજ્યું છે. કર્મચારીનું મોત નીપજતાં લોકોના ટોળા કંપનીમાં એકત્રિત થઈ હોબાળો મચાવ્યો હતી. પોલીસે કર્મચારીના મોત મામલે કાર્યવાહી શરૂ કરી છે. 


ભારે પવનને કારણે GIDCમાં આવેલો પાનોલીનો મહાકાય ટાવર જમીનદોસ્ત થયો હતો. જેમાં એક કર્મચારી દબાઈ જતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઘાયલ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતો. આ ઘટનાને પગલે રેસ્ક્યૂ ટીમ પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ કરી રહી છે. મૃતકનું નામ આશિષ ગોહીલ છે અને તે આણંદ નજીક આવેલા દાવોલ ગામનો રહેવાસી છે.