રાજકોટ: વ્યાજખોરોના ત્રાસના કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે ફરી એક વખત રાજકોટ જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી બે જીવન દીપ બુઝાઈ ગયા છે. ગઈ કાલે જસદણમાં કથિત વ્યાજ ખોરોના ત્રાસથી પિતા-પુત્ર એ આત્મહત્યા કરી લીધી છે. રાજકોટના જસદણમાં વ્યાજખોરના ત્રાસથી પિતા- પુત્રએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. મૃતકના પુત્રના પુત્રએ પોલીસ સમક્ષ કહ્યું કે છેલ્લા એક માસથી વ્યાજખોરોનો સતત ત્રાસ હતો. ગઈકાલે તેના કાકાનો ફોન આવ્યો હતો જેમાં મૃતકે ફોન કરી છેલ્લા રામ-રામ કર્યા હતા. ત્યારબાદ નદીના પુલ નીચે જઈ પિતા- પુત્રએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી.
ઝેરી દવા પી લેતા પિતા રમેશભાઈ બડમલિયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે તેના પુત્ર સતિષભાઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પિતા- પુત્રએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
જસદણના શ્રીનાથજી ચોકમાં રહેતા અને કોલેજીયન હેર આર્ટના નામે સલૂનનો ધંધો કરતા રમેશભાઈ દેસાભાઈ બડમલીયા અને તેનો પુત્ર સતીષ બપોરના ત્રણ વાગ્યા આસપાસ બાઈક લઈને ઘરેથી નીકળી ગયા હતા. બાદમાં બન્ને પિતા-પુત્રે સાથે તાલુકાના કોઠી ગામ નજીક એક નાળા નીચે જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ ઘટનાની જાણ થયા બાદ પરિવારજનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં પિતા-પુત્ર ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે પિતા રમેશભાઈ બડમલીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેમના પુત્ર સતીશને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ અહીં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મૃતક રમેશભાઈ બાડમલીયાના પુત્રનું કહેવું છે કે તેમના પિતા અને ભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હતી એક મહિનાથી તેમના પરિવારજનો પર વ્યાજખોરોનો ત્રાસ હતો.
વ્યાજના વિષચક્રમાં અનેક પરિવારજનો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આ મામલે સરકાર દ્વારા પણ કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે જોકે કાયદાઓ માત્ર કાગળ પર જ રહી જતા હોય છે અને વ્યાજખોરો બેખોફ બનીને તેમના વ્યાજખોરીનો ધંધો ચલાવતા હોય છે. ત્યારે ફરી એક વખત વ્યાજખોરો સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.