રાજકોટ: રાજકોટમાં તબીબ યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. માણાવદરની જલ્પા ઘોસિયાએ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે ફ્લેટમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી. તબીબ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.
યુવતીના આપઘાતથી પરિવારમા કરૂણ કલ્પાંત
માણાવદરના નાનડીયા ગામના વતની અને રાજકોટમાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે રહેતા મહિલા તબીબે કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. યુવતીના આપઘાતથી પરિવારમા કરૂણ કલ્પાંત સર્જાયો છે. તબીબ યુવતીના મોતનુ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામા આવ્યો છે.
સમગ્ર અહેવાલ અનુસાર, જૂનાગઢ જિલ્લાના માણાવદરના નાનડીયા ગામની વતની અને રાજકોટમા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે આવેલા ફલેટમાં રહેતી બીએચએમએસ તબીબ જલ્પાબેન ઘોસીયા નામની 28 વર્ષની યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. યુવતીના મોત અંગે નાનડીયા ગામે રહેતા પરિવારને જાણ કરતા પરિવારમાં પણ કલ્પાંત સર્જાયો છે. ગામમાં ખબર પડતા ગમગીની છવાઇ જવા પામી હતી. પોલીસે સ્થળ પર જરૂરી કાર્યવાહી કરી યુવતીના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
યુવતી ફલેટમાં ભાડે રહેતી
પ્રાથમિક પુછપરછમાં મૃતક જલ્પાબેન ઘોસીયા મુળ માણાવદરના નાનડીયા ગામની વતની હતા. તેઓ બે ભાઇઓની એકની એક બહેન હતા. જલ્પાબેન ઘોસીયાના પિતા ખેતીકામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. જલ્પાબેન ઘોસીયા રાજકોટમાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે ફલેટમાં ભાડે રહેતા હતા. યુવતીની મિત્રએ તેને કોલ કર્યો હતો પરંતુ જલ્પાએ ફોન રીસીવ ન કરતા તે ઘરે પહોંચી હતી. ત્યારે તબીબ યુવતી જલ્પા ઘોસીયાનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. તબીબ યુવતીના આપઘાત પાછળનુ કારણ જાણવા પોલીસે તપાસ શરુ કરી છે.