રાજકોટ: રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં બનેલી આગની ઘટના બાદ ફાયર વિભાગ સતત કાર્યવાહી કરી રહ્યું છે. રાજકોટ ફાયર વિભાગે 30 હાઇરાઈઝ બિલ્ડીંગોને નોટીસ ફટકારી છે. NOC રીન્યુ ન કરાયું હોવાથી નોટીસ ફટકારવામાં આવી છે.


શહેરની નામાંકિત હોટલ મિન્ટ સહિત 8 જેટલી હોટલોને પણ નોટીસ ફટકારવામાં આવી છે. શહેરની નામાંકિત ગોકુલ હોસ્પિટલ, ઓમ મલ્ટી સ્પેશિયલલીસ્ટ હોસ્પિટલ સહિત 8 હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજયમાં ફાયર સેફ્ટીના નવા માળખાનો 26મી જાન્યુઆરીથી અમલ કરાશે. રાજયમાં ફાયર સેફ્ટી એક્ટનો ચુસ્ત અમલ થાય અને નવી રોજગારીની તકોનું સર્જન થાય તે માટે રાજય સરકાર તરફથી કેટલાક મહત્વના નિર્ણય કરાયા છે. રાજયમાં હવે નવા ફાયર એનઓસી ઓનલાઈન આપવામા આવશે. રાજ્યમાં વધી રહેલી આગની દુર્ઘટનાઓ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી ફાયર રેગ્યુલેશન સિસ્ટમની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે ફાયર સર્વિસને વધુ સુદ્ધઢ બનાવવા માટે ચાર ઝોનમાં અધિકારીની નિયુક્તિ કરવામાં આવશે. ફાયર સર્વિસના નવા નિયમોનો 26મી જાન્યુઆરીથી અમલ કરવામાં આવશે.

ફાયર સેફ્ટી એનઓસી રિન્યુઅલ અને ઓનલાઈન પેમેન્ટ માટે એક ઓનલાઈન પોર્ટલ વિકસાવવાનો નિર્ણય કરાયો છે. રાજયમાં ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ખાનગી ઈજનેરોને રોજગારીની તક આપવામા આવશે. ફાયર સેફ્ટીની જરુરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે ઈમ્પેનલ્ડ કરી પ્રેકટિસ માટે મંજૂરી અપાશે. ફાયર સેફટી ઓફિસરોએ તેમના ગ્રેડ-કક્ષા મુજબ ફાયર ફાઇટીંગ સહિતની સઘન તાલીમ લઇ ટેસ્ટમાં ઉત્તીર્ણ થયા બાદ જ ઇમ્પેનલ્ડ થઇ શકશે.