રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસોની સાથે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ત્યારે આજે રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં પાંચ લોકોના મોતથી ખળભળાટ મચી ગયો છે. રાજકોટમાં સતત વધી રહેલા કેસો અને મોતની સંખ્યા ચિંતાજનક છે. આજે રાજકોટમાં બજરંગવાળી વિસ્તારની 33 વર્ષ મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. આ સિવાય પરસાણા નગરમાં રહેતા 60 વર્ષીય પુરુષ, ચુનારાવડ ચોક પાસે રહેતા 60 વર્ષીય પુરુષ, કેશોદના 62 વર્ષીય મહિલા અને 60 વર્ષીય પુરુષનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. જોકે, આ તમામ મોત કોવિડ કમિટીના નિણર્ય બાદ કોરોનાથી મોત થયાનું જાહેર કરવામાં આવશે.

આજે તાપી જિલ્લામાં પણ કોરોનાથી બે દર્દીઓના મોત થયા છે. વ્યારાની સ્નેહકુંજ કોલોની વિસ્તારના 75 વર્ષીય દર્દીનું કોરોનાથી મોત થયું છે. 2 જુલાઇએ કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવતા વ્યારાની કોવિડ-19 હોસ્પિટલમાં દર્દીને દાખલ કરાયા હતા. ત્યારે આજે તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. દર્દી અન્ય બીમારીથી પણ પીડાતા હતા. આ સિવાય વાલોડના તૈયબ પાર્કમાં રહેતી 68 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયું છે. રિપોર્ટ પોઝીટીવ આવતા વ્યારાની કોવિડ 19 હોસ્પિટલમાં મહિલા દર્દી સારવાર હેઠળ હતા. દર્દીને 19 જુલાઈના રોજ કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દર્દી અન્ય બીમારીઓથી પણ પીડાતા હતા. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાને કારણે ત્રણ દર્દીના મોત થયા છે.